ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 જુલાઈ 2021
સોમવાર
કોરોના અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટનું કારણ આગળ કરીને મહારાષ્ટ્રમાં સરકારે અનેક પ્રતિબંધો મૂક્યા છે. સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. તેમ જ સાંજના ચાર વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી છે. એમાં પણ શનિવાર અને રવિવારે દુકાનો બંધ રાખવાનું ફરજિયાત છે. વેપારીઓ પર અનેક પ્રકારના પ્રતિબંધ છે, ત્યારે જુહુની એક ફાઇવ સ્ટાર હૉટેલમાં રવિવારે ઇન્ડિયન વેડિંગ એક્સ્પો રાખવામાં આવ્યો હતો. એમાં દિલ્હી, મુંબઈ, જયપુર, કોલકાતા તથા લખનૌની 60 બ્રાન્ડ્સએ ભાગ લીધો હતો. જોકે વેપારીઓની એની ભનક લાગી જતાં તેમણે ભારે વિરોધ કર્યો હતો. એની ફરિયાદ પોલીસ સ્ટેશનથી લઈને મુંબઈ મહાનગરપાલિકા સુધી કરવામાં આવી હતી. એને પગલે આયોજકોને આ ઇવેન્ટ રદ કરવી પડી હતી.
છેલ્લા દોઢ વર્ષથી અનેક પ્રતિબંધોને પગલે વેપારમાં મરણતોલ ફટકો ખાનારા વેપારી વર્ગમાં સરકારનાં આ બેવડાં ધોરણ સામે જોકે ભારે નારાજગી વ્યાપી ગઈ છે. અમારા માથા પર અનેક પ્રતિબંધો મૂકી દેવામાં આવ્યા છે, તો પછી મોટી હૉટેલોમાં આવી ઇવેન્ટને કારણે લોકોની ભીડ નહીં થાય, કોરોનાનો ચેપ નહીં ફેલાય એવી નારાજગી પણ મોટા ભાગના વેપારીઓએ વ્યક્ત કરી હતી.
ફેડરેશન ઑફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર ઍસોસિયેશનના અધ્યક્ષ વિરેન શાહે આ બાબતે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલ તથા પોલીસ કમિશનરને પત્ર લખીને ફરિયાદ પણ કરી હતી. વેપારીઓના વિરોધને પગલે પોલીસ અને પાલિકાએ હૉટેલમાં રહેલા આ એક્ઝિબશન કમ ઇવેન્ટને રદ કરી નાખી હતી.
