ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ઑક્ટોબર, 2021
ગુરુવાર
બૉલિવુડના કિંગ એટલે કે શાહરુખ ખાનના બંગલા મન્નતમાં આજે એક અઠવાડિયા પહેલાં જ દિવાળીની ઉજવણી કરવામાં આવશે. બૉમ્બે હાઈ કોર્ટે અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનને જામીન આપી દીધા છે. સાથે જ આ કેસમાં હાઈ કોર્ટે અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાને પણ જામીન આપ્યા છે. સતત ત્રણ દિવસ કેસમાં બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આજે બૉમ્બે હાઈ કોર્ટે આર્યન ખાનને જામીન આપવાનો ચુકાદો આપ્યો છે.
કોર્ટે ભલે આર્યન ખાન સહિત અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધામેચાને જામીન આપી દીધા હોય, પણ તે ત્રણેયને આજની રાત આર્થર રોડ જેલમાં જ વિતાવવી પડશે. કહેવામાં આવી રહ્યું છે કે કોર્ટ શુક્રવારે એના નિર્ણય પર વિગતવાર આદેશ જાહેર કરશે, ત્યાર બાદ તમામ આરોપીઓ આવતી કાલે અથવા પરમ દિવસે જેલમાંથી બહાર આવી શકશે.
કામના સમાચાર : આગામી મહિનામાં પૂરા 17 દિવસ બંધ રહેશે બૅન્ક! જાણી લો રજાઓનું સંપૂર્ણ લિસ્ટ
ઉલ્લેખનીય છે કે મુંબઈના દરિયાકાંઠે ક્રૂઝ શિપ પર NCBના દરોડા દરમિયાન માદક દ્રવ્યોની શોધના સંબંધમાં 3 ઑક્ટોબરના રોજ આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાની અન્યો સાથે ધરપકડ કરવામાં આવી હતી. NDPS કેસ માટેની વિશેષ અદાલતે તેમની જામીન અરજી ફગાવી દીધા બાદ તેમણે ગયા અઠવાડિયે હાઈ કોર્ટમાં અરજી કરી હતી.
