ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ઑગસ્ટ, 2021
સોમવાર
મહારાષ્ટ્ર સરકારે બ્રેક ધ ચેઇન હેઠળ અનેક દુકાનો ખોલવાનો સમય વધારી આપવાથી લઈને મૉલ, હૉટેલોને રાહતો આપી છે. લાંબા સમયથી મુંબઈના બંધ રહેલાં ઉદ્યાનો તથા મેદાનોને પણ ખુલ્લાં મૂકી દેવાની માગણી થઈ રહી હતી. છેવટે 16 ઑગસ્ટ, સોમવારના એટલે કે આજથી મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈગરા માટે બગીચા, ચોપાટી અને દરિયાકિનારા ખુલ્લા મૂકી દીધા છે.
રાહતના સમાચાર : મુંબઈ મહાનગરપાલિકા એ ગણેશોત્સવ મંડળોને જાહેરાતો સ્વીકારવાની આપી મંજૂરી, પરંતુ આ શરતે
કોરોના પ્રતિબંધક નિયમ હેઠળ અત્યાર સુધી બગીચા, ચોપાટી તથા દરિયાકિનારા પર ફરવાનું પ્રતિબંધિત હતું. જોકે હવે મુંબઈમાં કોરોના નિયંત્રણમાં આવ્યો છે. અનેક પ્રકારની છૂટછાટ આપવામાં આવી છે. લાંબા સમયથી મુંબઈના બગીચા, ઉદ્યાનો, ખુલ્લાં મેદાનો તથા ચોપાટીઓને ખુલ્લાં મૂકવાની માગણી થઈ રહી હતી. એથી મુંબઈ મનપાએ આજે સવારે નોટિફિકેશન બહાર પાડીને તમામ બગીચા, બીચ, ચોપાટીઓને ખુલ્લાં મૂકવાની જાહેરાત કરી છે. સવારના છ વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી આ સ્થળો નાગરિકો માટે ખુલ્લાં રહેશે.