ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 નવેમ્બર, 2021
ગુરુવાર
દિવાળીમાં બાળકો સાવચેતીપૂર્વક ફટાકડા ફોડે છે કે નહિ તેનું ધ્યાન માતા પિતાએ રાખવું જોઈએ. હાનિકારક ફટાકડા ફોડવાની પરવાનગી બાળકોને આપવી ન જોઈએ. હાલમાં બનેલી ઘટનામાં અંધેરીના 11 વર્ષના છોકરાએ ફટાકડાને લીધે તેની ડાબી આંખ ગુમાવી દીધી છે. ભાયખલાની જેજે હોસ્પિટલમાં આ બાળકની સારવાર ચાલી રહી છે. ફટાકડાને લીધે અઠવાડિયામાં બીજી ગંભીર ઈજાની ઘટના બની છે.
મળેલી માહિતી અનુસાર 11 વર્ષનો સાઈ ભરણકર રવિવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ અંધેરી પશ્ચિમમાં ધનગર વાડીના ગિલ્બર્ટ હિલ રોડ પર મિત્રો સાથે ફટાકડા ફોડવા ગયો હતો. ત્યારે બનેલી ઘટનામાં બાળકને આંખ અને નાક પર ગંભીર ઈજાઓ થઈ હતી. જેજે હોસ્પિટલના ઓપ્થેલ્મોલોજી વિભાગના ડોકટરોએ જણાવ્યું હતું કે છોકરો સોમવારે સાંજે 7.30 વાગ્યાની આસપાસ ડાબી આંખમાં દુખાવો, રક્તસ્રાવ અને દ્રષ્ટિ ગુમાવવાની ફરિયાદ સાથે આવ્યો હતો. તપાસમાં ડોક્ટરોએ જોયું કે આંખનું એક વિશાળ કોર્નિયલ ફાટી ગયું હતું અને ગ્લોબનું સંપૂર્ણ રીતે ડેમેજ થયું હતું. તેની આંખ બચવવવાની શક્યતા ઓછી છે. તેવું હોસ્પિટલના ડૉ. રાગિણી પારેખે એક મીડિયા સંસ્થાને જણાવ્યું હતું. ડોકટરો અત્યારે બાળકની બીજી આંખને ચેપ ન લાગે તે રીતે સારવાર કરી રહ્યા છે.
ડીએન નગર પોલીસે હજુ સુધી આ કેસ નોંધ્યો નથી. પોલીસ નિવેદન નોંધવા છોકરાના સ્વસ્થ થવાની રાહ જોઈ રહી છે. મળેલી માહિતી મુજબ બાળકની માતા કોમલે પોલીસને જણાવ્યું હતું કે, તે રસ્તાના એક ખૂણામાં ઊભો હતો અને તેના મિત્રો ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે તેની આંખમાં તણખો ઉડ્યો હતો.
