ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,22 જાન્યુઆરી 2022
શનિવાર.
દક્ષિણ મુંબઈમાં તાડદેવમાં ગોવાલિયા ટેન્ક નજીક આવેલી 20 માળાની ‘સચિનામ હાઈટ્સ’ ઇમારતમાં વહેલી સવારે જોવા મળેલા અગ્નિ તાંડવ માં કુલ 29 લોકો ફસાયા હતા, જેમાંથી કુલ છનો ભોગ લેવાયો છે. સાતને સારવાર બાદ રજા આપી દેવામાં આવી જ્યારે 16 લોકો પર જુદી જુદી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
શનિવારે વહેલી સવારના કમલા બિલ્ડિંગના 18મા માળા પર ફાટી નીકળી હતી. આગમાં ઈમારતના કુલ 29 લોકોને અસર થઈ હતી. વહેલી સવારના લાગેલી આગ બપોરના 12.20ની આસપાસ બુઝાવવામાં સફળતા મળી હતી. જોકે કુલિંગ ઓપરેશન મોડે મોડે સુધી ચાલુ હતું.
પાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ના જણાવ્યા મુજબ આગમાં ઈમારતના કુલ 29 રહેવાસીઓ ફસાઈ ગયા હતા. આ લોકોને જુદી જુદી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં પાલિકા સંચાલિત મુંબઈ સેન્ટ્રલમાં આવેલી નાયર હોસ્પિટલમાં સાત લોકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી પાંચ લોકોના મોત થયા હતા. પાલિકાની કસ્તુરબા હોસ્પિટલમાં ગંભીર હાલતમાં રહેલા બે લોકોને દાખલ કરવામાં આવ્યા હતા, તેમાંથી એકનું મોત થયું હતું. ભાટિયા હોસ્પિટલમાં 17 લોકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, તેમાંથી 12 લોકોની સારવાર ચાલી રહી છે, જેમાં ત્રણની હાલત ગંભીર છે. તો પાંચ લોકોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી.
ભાયખલામાં આવેલી મસીના હોસ્પિટલમાં એકને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જેની હાલત સ્થિર છે. વોકહાર્ડ હોસ્પિટલમાં એકને દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર બાદ તેને રજા આપવામાં આવી હતી. તો એચ.એન.રિલાયન્સ હોસ્પિટલમાં એકને સારવાર બાદ રજા આપવામાં આવી હતી.
કમલા બિલ્ડિંગમાં સવારના 7 વાગ્યા ની આસપાસ અચાનક આગ ફાટી નીકળેલી આગને બુઝાવવા ફાયરબ્રિગેડના 13 ફાયર એન્જિન અને સાત જંબો ટેન્કરે જહેમત ઉઠાવી હતી. જોકે આગ એટલી ભીષણ હતી અને ત્યારબાદ નીકળેલા ઝેરી ધુમાડો રહેવાસીઓ માટે જીવલેણ સાબિત થઈ હતી.