News Continuous Bureau | Mumbai
BMC Job Scam Mumbai મુંબઈમાં સરકારી નોકરી મેળવવાની ઘેલછામાં શિક્ષિત યુવાનો ઠગાઈનો શિકાર બન્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના વોટર ડિપાર્ટમેન્ટમાં સુપરવાઈઝરની નોકરી અપાવવાના બહાને એક ભેજાબાજે બે મિત્રો પાસેથી કુલ ₹૨૩.૪૩ લાખ પડાવી લીધા છે. આરોપીએ આ યુવાનોનો વિશ્વાસ જીતવા માટે તેમને નકલી જોઈનિંગ લેટર અને પાલિકાના આઈડેન્ટિટી કાર્ડ પણ આપ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.કાંદિવલીમાં રહેતા અને UPSCની તૈયારી કરતા ૨૬ વર્ષીય યુવાન અને તેના મિત્રની મુલાકાત એક વ્યક્તિ સાથે થઈ હતી, જેણે પોતે BMCમાં વગ ધરાવતો હોવાનો દાવો કર્યો હતો. વોટર ડિપાર્ટમેન્ટમાં સુપરવાઈઝરની જગ્યા ખાલી હોવાની લાલચ આપી તેણે બંને મિત્રોને પોતાની જાળમાં ફસાવ્યા હતા.
પોલીસ સ્ટેશનની બહાર જ ગોઠવી મુલાકાત
આરોપીએ પીડિતોનો ભરોસો જીતવા માટે અત્યંત ચાલાકી વાપરી હતી. તેણે બોરીવલી (પૂર્વ)માં કસ્તુરબા માર્ગ પોલીસ સ્ટેશનની બહાર જ મુલાકાત ગોઠવી હતી, જેથી યુવાનોને કોઈ શંકા ન જાય. ત્યાં ચાની એક લારી પાસે તેણે યુવાનોને નકલી BMC જોઈનિંગ લેટર અને ઓળખ કાર્ડ સોંપ્યા હતા. આ નકલી દસ્તાવેજોના બદલામાં એક મિત્ર પાસેથી ₹૧૩ લાખ અને બીજા મિત્ર પાસેથી ₹૧૦.૪૩ લાખ એમ કુલ ₹૨૩,૪૩,૦૦૦ વિવિધ સમયે પડાવ્યા હતા.
ચેક બાઉન્સ થતા છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો
ઘણો સમય વીત્યા પછી પણ જ્યારે નોકરી મળી નહીં અને આરોપી માત્ર વાયદા જ કરવા લાગ્યો, ત્યારે યુવાનોને છેતરપિંડીની શંકા ગઈ હતી. તેમણે પોતાના પૈસા પાછા માંગતા આરોપીએ બાંદ્રા કોર્ટ પાસે નોટરી કરીને ₹૨૨ લાખના કુલ ૪ ચેક આપ્યા હતા. જોકે, આ ચેક જ્યારે બેંકમાં જમા કરાવવામાં આવ્યા ત્યારે તે બાઉન્સ થયા હતા. આ ઘટના બાદ યુવાનોને ખાતરી થઈ ગઈ હતી કે તેમની સાથે મોટી ઠગાઈ થઈ છે.
આ સમાચાર પણ વાંચો : Strengthening Maritime Bonds: સુરક્ષા અને સહયોગના નવા શિખરો: INS ત્રિકંડની મોરિશિયસની મુલાકાતથી દ્વિપક્ષીય સંબંધોમાં નવો પ્રાણ ફૂંકાયો
કસ્તુરબા માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
આખરે પીડિત યુવાનોએ કસ્તુરબા માર્ગ પોલીસ સ્ટેશનમાં જઈને આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ છેતરપિંડી અને નકલી દસ્તાવેજો બનાવવા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે સરકારી નોકરી માટે કોઈ પણ પ્રકારની રોકડ રકમની લેવડદેવડ કરવી નહીં અને અધિકૃત વેબસાઇટ દ્વારા જ અરજી કરવી, જેથી આવી ઠગાઈથી બચી શકાય.
