ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૯ જુલાઈ ૨૦૨૧
શુક્રવાર
વિલેપાર્લેના જુહુ પોલીસ સ્ટેશનમાં હાલ સ્ટાફ ઓછો છે એવામાં ચોરી અને ચેઇનસ્નૅચિંગની ઘટના વધી છે. હવે આ ઘટનાઓને રોકવા માટે જુહુ પોલીસે એક નવી પહેલ શરૂ કરી છે. આ પહેલ અંતર્ગત નાગરિકોને ‘પોલીસ મિત્ર’ બની પોલીસની નાકાબંધી અને પૅટ્રોલિંગમાં મદદ કરવાનું આહ્વાન કરાયું છે. આ કાર્યમાં જોડાનારા લોકોને ‘પોલીસ મિત્ર’નું ટી-શર્ટ પણ આપવામાં આવશે.
જુહુ પોલીસ મથકના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક શશિકાંત માનેએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે જુહુ એક પોશ વિસ્તાર છે, કારણ કે અહીં બૉલિવુડની અનેક હસ્તીઓ રહે છે. લૂંટારાઓ અને સ્નૅચર્સ મોંઘા મોબાઇલ ચોરી કરવા શહેરના જુદાજુદા ભાગો પરથી બાઇક ઉપર આવે છે અને નાસી છૂટે છે. જેવીપીડી વિસ્તારમાં ૫0થી વધુ ગલીઓ છે, પોલીસ પૅટ્રોલિંગ તો કરે જ છે, પરંતુ દરેક ગલીનું ધ્યાન ઓછા સ્ટાફ સાથે રાખવું શક્ય નથી.
પોલીસની આ પહેલમાં ૨૫ વોલેન્ટિયર્સ જોડાયા છે. આ વોલેન્ટિયર્સને માર્ગદર્શન સહિત શું કરવું અને શું ન કરવું એ પણ સમજાવવામાં આવશે. આ લોકો આગામી એક મહિના સુધી પોલીસની મદદ કરશે અને ત્યાર બાદ પરિસ્થિતિની સમીક્ષા કરાશે. આ નાગરિકો દરરોજ સાંજે પોલીસને બેથી ત્રણ કલાક મદદ કરશે.
