News Continuous Bureau | Mumbai
Kalyan કલ્યાણ (પશ્ચિમ) ના આધારવાડી વિસ્તારમાં જૂની અદાવતને પગલે એક રેલ્વે વાહન પાર્કિંગ કોન્ટ્રાક્ટર પર પેવર બ્લોક અને લાત-મુક્કા વડે હિંસક હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ લોહિયાળ હુમલામાં ૩૬ વર્ષીય કોન્ટ્રાક્ટર ગંભીર રીતે ઘવાયો છે અને તેને માથાના ભાગે ૯ ટાંકા આવ્યા છે. હાલમાં તે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
શું હતી હુમલા પાછળની અદાવત?
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ઈજાગ્રસ્ત કોન્ટ્રાક્ટર અને મુખ્ય આરોપી છેલ્લા છ વર્ષથી એકબીજાને ઓળખતા હતા. જોકે, અગાઉ આરોપીના મિત્રએ કોન્ટ્રાક્ટરના સાથીદાર પર હુમલો કર્યો હતો, જેના કારણે બંને પક્ષો વચ્ચે સંબંધો વણસ્યા હતા. આ વેરનો બદલો લેવા માટે હોળીની રાત્રે આરોપીએ ફોન પર ગાળો આપી કોન્ટ્રાક્ટરને ધમકી આપી હતી અને મળવા માટે બોલાવ્યો હતો.
ભારે પેવર બ્લોકથી માથામાં કર્યો પ્રહાર
જ્યારે કોન્ટ્રાક્ટર આધારવાડી સર્કલ પાસે એક ચાઇનીઝ સેન્ટર પર પહોંચ્યો, ત્યારે આરોપીઓની ટોળકી ત્યાં પહેલેથી જ ઘાત લગાવીને બેઠી હતી. વિવાદ વધતા એક આરોપીએ રસ્તા પર પડેલો ભારે પેવર બ્લોક ઉપાડીને કોન્ટ્રાક્ટરના માથામાં ઝીંકી દીધો હતો. હુમલા દરમિયાન એક શખ્સે ચાકુ બતાવી આસપાસના લોકોને ધમકાવ્યા હતા કે જો કોઈ બચાવવા વચ્ચે પડશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે. ટોળકીના અન્ય સભ્યોએ પણ યુવકને બેફામ માર માર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Mumbai: વીવીઆઈપી મૂવમેન્ટ દરમિયાન મહિલા ટ્રાફિક કોન્સ્ટેબલ સાથે ગેરવર્તણૂક, કાર ચાલકે આપી નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી.
આરોપીઓને પકડવા પોલીસના ચક્રો ગતિમાન
કલ્યાણ પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ મુખ્ય આરોપી અને તેના ૫ સાથીદારો સામે ગુનો નોંધ્યો છે. હુમલો કરનાર તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને હાલમાં ફરાર છે. પોલીસે તેમને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે અને શોધખોળ તેજ કરી છે.
