ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 નવેમ્બર, 2021
શુક્રવાર
દસમા ધોરણની CBSEની પરીક્ષા 30 નવેમ્બર થી શરૂ થશે. વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીમાં લાગ્યા છે. એવામાં તેમને હોલ ટિકિટ ન મળે તો તેમની ચિંતા વધી શકે છે. આ વાતનું ધ્યાન શાળાને હોવું જોઈએ તેમ છતાં કાંદિવલીની એક શાળાએ પરીક્ષાને 10 દિવસ બાકી છે તોય અમુક વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપી નથી. તેની પાછળનું કારણ એ છે કે આ વિદ્યાર્થીઓએ ફી ચૂકવી નથી. વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ વાતનો વિરોધ દર્શાવતા ગઇકાલે શાળા બહાર મોરચો કાઢ્યો હતો. જેમાં MNS પાર્ટીના કાર્યકર્તા સામેલ થયા હતા.
એક મીડિયા સંસ્થાના અહેવાલ મુજબ કાંદીવલી ઈસ્ટમાં આવેલી એક ઇન્ટરનેશનલ સ્કૂલની મનમાની સામે આ આંદોલન થયું હતું. દસમા ધોરણની પરીક્ષા 30 નવેમ્બરથી શરૂ થવાની છે. હજી સુધી પરીક્ષામાં બેસવા માટે 25 ટકા વિદ્યાર્થીઓને હોલ ટિકિટ અપાઈ નહોતી. વાલીઓએ કહ્યું હતું કે અમે 85 ટકા ફી ભરવા તૈયાર છીએ. બાકીની ફી કોર્ટના આદેશ બાદ ભરીશું. તેમ છતાં શાળાએ વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપી નથી. સરકારી ઠરાવ મુજબ કોઈપણ સંજોગોમાં વિદ્યાર્થીઓની પરીક્ષા છૂટી ન જાય તેનું ધ્યાન શાળાએ રાખવું આવશ્યક છે. તોય શાળાએ આવી મનમાની ચાલુ રાખી.
વાલીઓના વિરોધ બાદ શાળા પ્રશાસન વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવા માટે તૈયાર થયું હતું અને 15 ટકા ફીની રકમ વાલીઓ કોર્ટના આદેશ મુજબ ભરશે. ઉલ્લેખનીય છે કે કોરોનાકાળમાં સરકારે વિદ્યાર્થીઓને ફીમાં 15 ટકાની રાહત આપવાનો ઠરાવ કર્યો હતો.