ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 જુલાઈ 2021
બુધવાર
મહારાષ્ટ્ર સરકારના હાઉસિંગ ખાતાએ નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે એ મુજબ હવેથી મહારાષ્ટ્ર હાઉસિંગ એરિયા ડેવલપમેન્ટ ઑથૉરિટી (મ્હાડા)એ પોતાના દરેક 5,000 સ્ક્વેરફૂટથી વધુના પ્લૉટના રીડેવલપમેન્ટ માટે રાજ્યના ગૃહનિર્માણ ખાતાની મંજૂરી લેવી પડશે. સરકારના આ નવા નોટિફિકેશનને જોકે ઍક્ટિવિસ્ટોએ મ્હાડાની સત્તા પર તરાપ મારવા સમાન ગણાવી હતી.
નવા નોટિફિકેશન મુજબ મ્હાડા, સંસદ, વિધાનસભ્યોના ભંડોળના ઉપયોગ માટે જવાબદાર મ્હાડાના સ્લમ ઇમ્પ્રુવમેન્ટ બોર્ડે ડેવલપમેન્ટના કોઈ પણ કામકાજ માટે રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે.
ગૃહનિર્માણ ખાતાએ તાજેતરમાં બહાર પાડેલા ગવર્નમેન્ટ રિઝોલ્યુશન મુજબ મ્હાડાની પોતાની પ્રૉપર્ટી ગણાતી બિલ્ડિંગોના રીડેવલપમેન્ટ માટે નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ તથા લેટર ઑફ ઇન્ટેટ બહાર પાડતાં પહેલાં ગૃહનિર્માણની મંજૂરી લેવી પડશે. અહીં ઉલ્લેખનીય છે કે ખુલ્લી જમીનો સાથેની 104 રેસિડેન્શિયલ મ્હાડાના લેઆઉટ છે. આ ખુલ્લી જમીન પર મોટા પાયા પર જોકે અતિક્રમણ થયેલું છે.
