મુંબઈ: મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં થઈ રહેલા ભારે વરસાદના પગલે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આજે બપોરે મંત્રાલય સ્થિત રાજ્ય આપાતકાલીન કાર્ય કેન્દ્રની મુલાકાત લીધી અને વરસાદથી ઊભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી. આષ્ટી અને પાથર્ડી તાલુકાના કેટલાક ગામો પૂરના પાણીથી ઘેરાઈ જવાથી ત્યાં ફસાયેલા 40 ગ્રામજનોને NDRFની મદદથી એરલિફ્ટ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવાનો નિર્દેશ નાયબ મુખ્યમંત્રીએ આપ્યો.
આ દરમિયાન તેમણે ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓના જિલ્લાધિકારીઓ સાથે વાતચીત કરી અને બચાવ તથા રાહતકાર્ય અંગે માહિતી મેળવી. તેમણે જિલ્લા વહીવટીતંત્રને સતર્ક રહેવાની સૂચના પણ આપી.
બપોરે લગભગ 12 વાગ્યાની આસપાસ નાયબ મુખ્યમંત્રીએ આ કેન્દ્રની મુલાકાત લીધી. આ પ્રસંગે તેમના મુખ્ય સચિવ નવીન સોના અને કાર્ય કેન્દ્રના ડિરેક્ટર ડૉ. ભાલચંદ્ર ચવ્હાણ પણ ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. ચવ્હાણે રાજ્યની વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી. નાયબ મુખ્યમંત્રીએ પુણે, છત્રપતિ સંભાજીનગર અને મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે ફોન પર વાતચીત કરી અને વરસાદની પરિસ્થિતિની જાણકારી મેળવી. તેમણે મુંબઈમાં જ્યાં જ્યાં પાણી ભરાવાની ફરિયાદો આવી રહી છે, ત્યાં વધારાનો સ્ટાફ તૈનાત કરીને પંપ લગાવીને વહેલી તકે પાણીનો નિકાલ કરવાના નિર્દેશ આપ્યા.
આ સમાચાર પણ વાંચો : Mumbai Heavy Rain:મુંબઈમાં ધોધમાર વરસાદ: સાંતાક્રુઝમાં સિઝનના સરેરાશ કરતાં ૨૦% થી વધુ વરસાદ નોંધાયો
આષ્ટી-પાથર્ડી તાલુકાના ગામોમાં પૂરના પાણીમાં ફસાયેલા 40 લોકોને એરલિફ્ટ કરવાની જરૂર હોવાનું સંભાજીનગરના જિલ્લાધિકારીએ નાયબ મુખ્યમંત્રીને જણાવ્યું. આ સૂચના મળતા જ તેમણે નાશિકથી હેલિકોપ્ટર બોલાવીને તાત્કાલિક અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાનો આદેશ આપ્યો. તેમણે છત્રપતિ સંભાજીનગર વિભાગના વિભાગીય કમિશનર સાથે પણ આ કેન્દ્રમાંથી જ વાતચીત કરી.
ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસના હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને આપત્તિ નિયંત્રણ માટે જિલ્લા વહીવટીતંત્રને સાવચેતી રાખવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું. ડૉ. ચવ્હાણે માહિતી આપી કે છેલ્લા 24 કલાકમાં ‘સચેત’ એપ દ્વારા રાજ્યભરમાં વરસાદના એલર્ટ સંબંધિત 35 કરોડ મેસેજ મોકલવામાં આવ્યા છે.