ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 02, માર્ચ 2022,
બુધવાર.
કોરોનાની પૃષ્ઠભૂમિમાં, મહારાષ્ટ્રની ઠાકરે સરકારે લોકલ ટ્રેનમાં મુસાફરી કરવા માટે કોરોના રસીના બંને ડોઝ લેવાનું ફરજિયાત બનાવ્યું હતું. પરંતુ હવે જ્યારે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે, ત્યારે લોકોને એવી આશા હતી કે લોકલ ટ્રેનમાં પ્રવાસ માટે રસીકરણનો નિર્ણય પાછો ખેંચવામાં આવશે. જોકે, રાજ્ય સરકારે મુંબઈ લોકલ મુસાફરી માટેના નિર્ણયને બદલવાનો સ્પષ્ટપણે ઈન્કાર કરી દીધો છે. આ સિવાય રાજ્ય સરકારે કહ્યું છે કે મોલ, થિયેટર, ટુરિઝમ અને થિયેટરોમાં સંપૂર્ણ રસીકરણ કરાયેલા લોકોને જ પ્રવેશ આપવામાં આવશે.
રાજ્ય સરકારે સુનાવણી દરમિયાન હાઈકોર્ટને આજે જણાવ્યું હતું કે, તેણે લોકલ ટ્રેનમાં મુસાફરી માટે ફરજિયાત રસીકરણના નિર્ણયને યથાવત રાખ્યો છે. સાથે જ સ્પષ્ટતા કરી છે કે મુંબઈની લોકલ અને અન્ય પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરવા માટે રસીના બંને ડોઝ ફરજિયાત છે. જોકે બોમ્બે હાઈકોર્ટે રાજ્ય સરકારના કોરોના પ્રતિબંધો પર ભારે નારાજગી વ્યક્ત કરતા, લોકોના મૂળભૂત અધિકારોનું શું?, એવો સવાલ કર્યો છે. સાથે જ, હાઇકોર્ટે જાહેર હિતની અરજદારો, ફિરોઝ મીઠીબોરવાલા અને યોહાન ટ્રેંગા બંનેની અરજીઓને ફગાવીને, રાજ્ય સરકારના નિર્ણય અને આદેશને નવી અરજીમાં પડકારવાની મંજૂરી આપી છે.
આમ મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી પરનો રસીકરણ પ્રતિબંધ પાછો ખેંચવા અમે તૈયાર છીએ એવી ખાતરીથી વિપરીત નિર્ણય રાજ્ય સરકારે લીધો હોવાથી હાલ લોકલ ટ્રેન બધા માટે ખુલ્લી નથી.
