News Continuous Bureau | Mumbai
મુંબઈ: મુંબઈની લોકલ ટ્રેનોમાં થતી અસહ્ય ભીડ રોજ અનેક લોકોનો ભાગ લે છે ત્યારે આવો વધુ એક કિસ્સો બન્યો છે જેમાં એક જવાનનું મૃત્યુ થયું છે. ભીડના ધક્કા-મુક્કીના કારણે ચાલુ લોકલમાંથી પડી જવાથી મહારાષ્ટ્ર સુરક્ષા દળ ના એક જવાનનું દહિસર પાસે અકસ્માતમાં કરૂણ મોત થયું છે.
Mumbai local train accident મૃતક જવાનનું નામ ગણેશ જગદાલે છે, જેમની ઉંમર ૩૧ વર્ષની હતી અને તેઓ દહિસર શહેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે સવારે લગભગ સાડા આઠ વાગ્યાના સુમારે ગણેશ જગદાલે પોતાની ડ્યુટી પૂરી કરીને દહિસર સ્ટેશનથી નાયગાંવ જવા માટે લોકલ ટ્રેન પકડી હતી. ટ્રેનમાં ભારે ભીડ હોવાથી તેઓ દરવાજા પાસે ઊભા હતા. આ દરમિયાન ભીડના ધક્કા-મુક્કીના કારણે તેમનું સંતુલન ગયું અને તેઓ સીધા રેલવે ટ્રેક પર પટકાયા હતા.
આ અકસ્માતમાં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી અને માથામાંથી વધુ પડતું રક્તસ્ત્રાવ થયો હતો. રેલવે પોલીસે તાત્કાલિક તેમને કાંદિવલીની શતાબ્દી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના ગણવેશ અને ઓળખપત્રના આધારે તેમની ઓળખ થઈ શકી હતી.
આ સમાચાર પણ વાંચો : Mumbai fire incident: દક્ષિણ મુંબઈના ગિરગામમાં ફૂડ સ્ટૉલમાં આગ, કોઈ જાનહાની નહીં.
મુંબઈ લોકલમાં થતા આ પ્રકારના અકસ્માતો નવા નથી. લોકલ ટ્રેનની સંખ્યા વધારવા, ટ્રેનના દરવાજા બંધ રાખીને ચલાવવા, ઓફિસના સમયમાં ફેરફાર કરવા અને સસ્તી તેમજ ઝડપી જાહેર પરિવહન વ્યવસ્થા ઊભી કરવા જેવા અનેક વિકલ્પો પર વર્ષોથી ચર્ચા થાય છે, પરંતુ જમીની સ્તર પર નક્કર પગલાં લેવાતા જણાતા નથી. પરિણામે, ચાલુ લોકલમાંથી પડી જવાની અને નિર્દોષોના જીવ જવાની ઘટનાઓ યથાવત્ રહી છે.