ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 જૂન 2021
ગુરુવાર
મુંબઈમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી રહી છે. એ સાથે જ મુંબઈના અનેક વિસ્તારો પણ કોરોનામુક્ત થઈ રહ્યા છે. એમાં ધારાવીને અડીને આવેલા માહિમમાં પણ કોરોનાને નિયંત્રણમાં લાવવામાં સફળતા મળી છે. બુધવારે માહિમમાં માત્ર ત્રણ નવા કેસ નોંધાયા હતા. એ અગાઉ રવિવારે અહીં એકે નવો કેસ નોંધાયો નહોતો.
પાલિકાના જી-ઉત્તર વૉર્ડમાં દાદર, ધારાવી અને માહિમ આવે છે. એમાં માહિમ ગીચ વસતિ ધરાવતો વિસ્તાર છે. ધારાવીની માફક અહીં પણ મોટા પ્રમાણમાં ઝૂંપડપટ્ટી છે. છેલ્લા થોડા સમયથી અહીં કોરોનાના નવા કેસ નોંધાવાનું પ્રમાણ અત્યંત ઘટી ગયું છે. બુધવારે અહીં માત્ર ત્રણ નવા કેસ નોંધાયા હતા. એ અગાઉ રવિવારે અહીં એક પણ નવો કેસ નોંધાયો નહોતો. હાલ માહિમમાં ઍક્ટિવ કેસની સંખ્યા ઘટીને 120 પર આવી ગઈ છે. બહુ જલદી એ પણ ઘટી જશે એવો દાવો પાલિકાએ કર્યો છે.
છેલ્લા દોઢ વર્ષમાં માહિમમાં કુલ 9,891 કેસ નોંધાયા હતા. માહિમની સાથે જ ધારાવીમાં પણ કોરોનાને નિયંત્રણમાં લાવવામાં સફળતા મળી છે. સતત બે દિવસ અહીં એક પણ નવો કેસ નોંધાયો નહોતો.
અહીં ઉલ્લેખનીય છે કે કોરોનાની પહેલી લહેર દરમિયાન માહિમમાં મોટા પ્રમાણમાં કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. જોકે મુંબઈ મહાનગરપાલિકાએ અહીં ટેસ્ટિંગ વધારવામાં ભાર આપ્યો હતો. જેમાં ઘરે-ઘરે જઈને કોરોનાનું ટેસ્ટિંગ કરવાની સાથે જ મોબાઇલ વેન ટેસ્ટિંગ સહિત અનેક ઉપાય યોજના અમલમાં મૂકી હતી. હવે આ વિસ્તારમાં વેક્સિનેશન પણ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. માહિમમાં કોરોના નિયંત્રણમાં આવ્યો હોવાનું પાલિકાના જી-નૉર્થના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર કિરણ દિધાવકરે જણાવ્યું હતું.
હવે ડીઝલ એ પણ સેન્ચ્યુરી મારી, પેટ્રોલ સાથે રેસિંગમાં ઉતર્યું. જાણો આજના ભાવ…
