ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,30 ડિસેમ્બર 2021
ગુરુવાર.
કોરોનાની ત્રીજી લહેરના આગમનની શકયતાને જોતા મુંબઈ મહાનગરપાલિકાએ હવે સંયુક્ત અરબ અમિરાતથી આવનારા પ્રવાસીઓને પણ ફરજિયાત સાત દિવસ ક્વોરન્ટાઈન કરવાનો આદેશ બહાર પાડયો છે, મુંબઈ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ પર અત્યાર સુધી ફકત દુબઈથી આવનારા પ્રવાસીઓ માટે જ આ નિયમ હતો, પરંતુ બુધવારે પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે નવી માર્ગદર્શિકા જાહેર કરી હતી. તે મુજબ હવે સમગ્ર UAEથી આવનાર પ્રવાસીને સાત દિવસ ક્વોરન્ટાઈન થવું પડશે.
મુંબઈ સાત દિવસમાં જ કોરોના કેસમાં સાત ગણો વઘારો થઈ ગયો છે. બુધવારે 2510 જેટલા નવા કેસ નોંધાયા હતા. મંગળવારે નોઁધાયેલા 1377 કેસ બાદ 24 કલાકની અંદર જ બુધવારે કેસમાં જબરદસ્ત વધારો થયો હતો. તેથી પાલિકા હવે કોઈ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી. તેથી બુધવારે આંતરરાષ્ટ્રીય પ્રવાસી માટે નવી નિયમાવલી જાહેર કરી હતી.
અત્યાર સુધી ફકત દુબઈથી મુંબઈ એરપોર્ટ પર આવતા પ્રવાસીને સાત દિવસ ક્વોરન્ટાઈન કરવાનો 24 ડિસેમ્બર 2021ના પાલિકાએ આદેશ બહાર પાડયો હતો. હવે જોકે આ આદેશમાં ફક્ત દુબઈને બદલે સમગ્ર યુનાઈટેડ આરબ અમિરાતનો (UAE)સમાવેશ કરવામા આવ્યો છે.
મુંબઈમાં હોસ્પિટલ અને જંબો કેર સેન્ટરમાં જગ્યા ઓછી પડવાના ડરે BMC એ લીધો આ નિર્ણય; જાણો વિગત
એટલું જ નહીં પણ UAEથી મુંબઈ આવનારા તમામ પ્રવાસીની એરપોર્ટ પર આવતા સમયે (ઓન અરાઈવલ) આરટીપીસીઆર કરવી પડશે. આ ટેસ્ટના અહવાલ અને નિયમ મુજબ પ્રવાસીને ક્વોરન્ટાઈન કરવા બાબતે નિર્ણય લેવાશે.
