News Continuous Bureau | Mumbai
Mumbai News: મુંબઈની જીવાદોરી સમાન ગણાતા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર આજે સવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. માલાડ પૂર્વમાં કુરાર વિલેજ વિસ્તારમાં મેટ્રો લાઇન 7 (રેડ લાઇન) ના એલિવેટેડ પુલ નીચે દોડતી બસમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આગના ગોટેગોટા એટલા ઊંચા ઉડ્યા હતા કે તે સીધા મેટ્રો પુલને અડી રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.પ્રારંભિક માહિતી મુજબ, બસ જ્યારે માલાડ તરફ જઈ રહી હતી ત્યારે તેના એન્જિનમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. ડ્રાઈવરની સતર્કતાને કારણે બસ ઉભી રાખી દેવામાં આવી હતી અને તમામ પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી.
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વાહનોની લાંબી કતારો
આગની આ ઘટનાને કારણે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર બોરીવલી તરફ જતો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો. રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. પોલીસે તાત્કાલિક ધોરણે ટ્રાફિકને ડાયવર્ટ કરવાની કામગીરી હાથ ધરી હતી, પરંતુ ઓફિસ જવાના સમયે જ આ ઘટના ઘટતા હજારો મુસાફરો અટવાઈ પડ્યા હતા.
મેટ્રો સેવા પર પડી અસર: રેડ લાઇન (Red Line) રોકી દેવાઈ
આગના લપેટા મેટ્રોના પાટા ની ખૂબ નજીક પહોંચી ગયા હોવાથી સાવચેતીના ભાગરૂપે મેટ્રો પ્રશાસને મેટ્રો લાઇન 7 પરની સેવા થોડા સમય માટે સ્થગિત કરી દીધી હતી. ધુમાડાના કારણે મેટ્રોના મુસાફરોમાં પણ ગભરાટ જોવા મળ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે ખાતરી કરી કે પુલને કોઈ નુકસાન થયું નથી, ત્યારબાદ જ મેટ્રો સેવા ફરી શરૂ કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : Karnataka DGP K Ramachandra Rao Suspended: DGP રામચંદ્ર રાવના અશ્લીલ વીડિયોથી કર્ણાટકમાં ખળભળાટ! ઓફિસમાં જ ‘રંગરેલિયા’ મનાવતા ટોપ કોપ સસ્પેન્ડ; જાણો શું છે આખો વિવાદ
ફાયર બ્રિગેડની કામગીરી અને આગનું કારણ
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડનીબે ગાડીઓ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક અંદાજ મુજબ શોર્ટ સર્કિટનેકારણે આગ લાગી હોવાનું મનાય છે, પરંતુ વાસ્તવિક કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
