ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ઑગસ્ટ, 2021
શનિવાર
મુંબઈમાં છેલ્લા થોડા દિવસથી અઢીસો-પોણોત્રણસોની આસપાસ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા હતા. કેસમાં થયેલા ઘટાડાને પગલે કન્ટેઇન્ટમેન્ટ ઝોન ઘટવાની સાથે જ સીલ બિલ્ડિંગની સંખ્યા પણ ઘટી ગઈ છે. પરંતુ બે-ચાર દિવસથી ફરી કોરોનાના કેસ 300ની ઉપર નોંધાઈ રહ્યા છે. એમાં પણ મુંબઈમાં ફક્ત એક જ દિવસમાં 7 બિલ્ડિંગ સીલ કરી દેવામાં આવતાં મુંબઈગરાની ચિંતામાં ફરી વધારો થયો છે. મુંબઈમાં શુક્રવાર સુધી સીલ બિલ્ડિંગની સંખ્યા 31 થઈ ગઈ છે. ગુરુવારે મુંબઈમાં 24 બિલ્ડિંગ સીલ હતાં. એટલે કે એક જ દિવસમાં સાત બિલ્ડિંગ સીલ થઈ ગયાં હતાં. અહીં ઉલ્લેખનીય છે કે પાંચથી વધુ દર્દી કોઈ બિલ્ડિંગમાં મળી આવે તો પાલિકા એ બિલ્ડિંગને સીલ કરી નાખે છે.
શું મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેરનું આગમન થઈ ગયું? મુંબઈ મનપાએ કેમ આપી નાગરિકોને આ સલાહ; જાણો વિગત
મુંબઈમાં શુક્રવારે 35,870 ટેસ્ટિંગ સામે કોરોનાના 364 કેસ નોધાયા હતા. જોકે કોરોના કેસમાં હળવો વધારો નોંધાયો છે. એની સામે જોકે મૃત્યુદર ઓછો થયો છે. શુક્રવારે કોરોનાથી 5નાં મોત થયાં હતાં. મુંબઈમાં હાલ કોરોના દર્દી બમણા થવાનો સમયગાળો 1,747 દિવસ પર પહોંચી ગયો છે, તો રિકવરી રેટ પણ 97 ટકા છે. હાલ મુંબઈમાં 31 બિલ્ડિંગ સીલ છે. એની સામે સતત 14મા દિવસે ઝૂંપડપટ્ટી અને ચાલીમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો.
