ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૦ જુલાઈ, ૨૦૨૧
શનિવાર
પેટ્રોલ-ડીઝલ અને LPG સિલિન્ડરના ભાવમાં વધારો થયા બાદ હવે મહારાષ્ટ્રમાં બસસેવાના ભાડામાં વધારો થવા જઈ રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાના કારણે મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ (MSRTC)ના ભાડામાં પણ વધારો થવાની સંભાવના છે. દરમિયાન, MSRTCએ તેના માટે એક પ્રસ્તાવ પણ તૈયાર કર્યો છે.
એક મીડિયા હાઉસના અહેવાલ અનુસાર ડીઝલના ભાવમાં વધારાથી MSRTC પર દર મહિને 120-140 કરોડનો વધારાનો બોજો પડ્યો છે. જૂન 2018માં, MSRTCએ ભાડામાં 18 ટકાનો વધારો કર્યો હતો. હવે ભાડું ફરી વધશે ત્યારે ટિકિટના ભાવમાં 17% જેટલો વધારો થવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે MSRTCની 15,000-16,000 બસો ડીઝલ પર દોડી રહી છે. ST સંપૂર્ણ ક્ષમતાથી ચાલે છે તેથી રાજ્યને દરરોજ લાખો લિટર ડીઝલનો વપરાશ કરવો પડે છે. હાલમાં કૉર્પોરેશનનાં 10,000 વાહનો દોડી રહ્યાં છે જે રોજ 8 લાખ લિટર ડીઝલ વાપરે છે. STની કુલ આવકના 38 ટકા, એટલે કે લગભગ 3,000-4,000 કરોડ રૂપિયા, ફક્ત ઈંધણ પર ખર્ચ કરવામાં આવ્યા છે.