ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
11 સપ્ટેમ્બર 2020
બીએમસીની કામગીરી પર સવાલ ઉઠાવતા ભાજપે, શિવસેના અને મેયર કિશોરી પેડણેકર પર પ્રહાર કર્યા છે. સગા સંબંધીઓને કામના કોન્ટ્રાક્ટ આપવાનો આરોપ લગાવી ભાજપએ, મેયર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ મુક્યો છે. કોરોનાકાળમાં બીએમસીમાં રાજકારણ ગરમાયું છે. ભોજનથી લઈને કફન સુધીના ભ્રષ્ટાચારનો આરોપ મેયર પર છે. પોતાના પુત્ર અને પાર્ટીના નેતાઓના સબંધીઓને કામના ટેન્ડરો આપવામાં આવ્યાં છે એવું ભાજપનું કહેવું છે.
બીજેપીના મતે, બીએમસી શાસક પક્ષ શિવસેના છેલ્લા 6 મહિનામાં કોવિડ -19 ના રોગચાળાને પહોંચી વળવામાં નિષ્ફળ ગઈ છે. તેમણે કહ્યું કે મુંબઈમાં કોવિડના દર્દીઓની વધતી સંખ્યા અને મૃત્યુદર ખૂબ જ ચિંતાજનક છે. રોજ દર્દીઓની સંખ્યામાં વધારો હોવા છતાં, બીએમસી પીસીઆર તપાસમાં વધારો કરવામાં નિષ્ફળ ગયો છે. મુંબઈમાં કોરોના ચેપનો દર દેશમાં સૌથી વધુ 18 ટકા છે. બીકેસીના જમ્બો કોવિડ સેન્ટરમાં આ દર 37 ટકા છે. આમ છતાં, બીએમસીની શાસક પક્ષે ખૂબ ઊંચા ભાવે ફેસ માસ્ક, સેનિટાઇઝર અને ફેસ શિલ્ડ ખરીદયા છે. આ સૂચવે છે કે સત્તામાં બેઠેલા લોકો કોવિડના નિવારણમાં ઓછો અને ભ્રષ્ટાચારમાં વધુ રસ ધરાવે છે.
ભાજપે કહ્યું કે 'ભાજપ કોરોના વાયરસને રોકવા માટે અને અનિયમિત વ્યવસાય અટકાવવા BMC માં બેઠક બોલાવવા માંગે છે, પરંતુ છેલ્લા 6 મહિનામાં BMC ની એક પણ બેઠક મળી નથી. મેયર પેડણેકરે બેઠક નહીં યોજવાની સંમતિ આપી. આ કારણે કોરોનાના રોગચાળા દરમિયાન આરોગ્ય સમિતિ જેવી મહત્વની સમિતિની એક પણ બેઠક થઈ નથી. આવી સ્થિતિમાં, અનુભવ નહીં ધરાવતા લોકોને કરાર આપવામાં આવ્યાં છે. જેના કારણે કોવિડ માટે જરૂરી સામાન હલકી ગુણવત્તા નો આવી રહ્યો છે.