ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ,9 એપ્રિલ 2021.
શુક્રવાર.
દેશમાં અનેક રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા જ ફરીથી ઑક્સીજન સિલિન્ડર અને રેમડેસિવિર ઇન્જેક્શનને લઈને સમસ્યા શરૂ થઈ છે. કોરોના સંક્રમણના કેસ વધવાની સાથે સાથે રેમડેસિવિર ઇન્જેક્શનની માંગ વધી છે. એક રિપોર્ટ પ્રમાણે 28 માર્ચ પછી ઇન્જેક્શનની માંગમાં 50 ગણો વધારે થયો છે.
કોવિડની સારવાર માટે વપરાતા રેમડેસિવિર ઇન્જેક્શન કેટલીક જગ્યાએ નક્કી કરવામાં આવેલી કિંમતથી 1000 ગણા વધારે ભાવે વેચાઈ રહ્યા છે. કેન્દ્ર સરકારને આ મામલે દિલ્હી, મહારાષ્ટ્ર, હરિયાણા, મધ્ય પ્રદેશ સહિત રાજ્યોમાંથી ફરિયાદ પણ મળી છે.
ભારતમાં સાત કંપની રેમડેસિવિર ઇન્જેક્શન બનાવે છે. આ કંપનીઓની ક્ષમતા મહિનાની 31.60 લાખ વોયલ છે. કોરોના સંક્રમણ વધવાની સાથે રેમડેસિવિરની માંગ પણ વધી છે.રેમડેસિવિરના એક ડોઝ માટે લોકોએ દોઢથી બે લાખ રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. આથી કેન્દ્ર સરકારએ દવા કંપનીઓને ઉત્પાદન વધારવાનું કહ્યું છે.
મુંબઈ પોલીસે એક યુવકની ધરપકડ કરી છે. તેની પાસેથી રમેડેસિવિરની 12 શીશી મળી આવી છે. પોલીસ અધિકારી જણાવ્યા મુજબ, ક્રાઇમ બ્રાંચે સરફરાઝ હુસૈનન નામના વ્યક્તિની ગુરુવારે સાંજે અંધેરી (પૂર્વ) ખાતેથી ધરપકડ કરી હતી. તેની પાસેથી ઇન્જેક્શન મળી આવ્યા હતા. મહારાષ્ટ્ર સરકારે ગુરુવારે રેમડેસિવિરની એક બોટલની કિંમત 1,100 રૂપિયાથી 1,400 રૂપિયા નક્કી કરી હતી. સાથેજ સંગ્રહખોરી અને કાળાબજારા વિરુદ્ધ ચેતવણી પણ આપી હતી.