ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑગસ્ટ, 2021
શુક્રવાર
હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જન્મદિવસની ઉજવણી કરતી વખતે, યુવાનોએ માત્ર કોરોનાના નિયમો જ નથી તોડ્યા, પરંતુ કેકનો બગાડ પણ કર્યો છે.
આ વાયરલ વીડિયોમાં 15થી 20 યુવકો દેખાઈ રહ્યા છે. બર્થડે બૉય દ્વારા એકસાથે મૂકવામાં આવેલી 33 કેક કાપ્યા બાદ, અહીં ઉપસ્થિત બધા યુવાનો કેક પર તૂટી પડ્યા અને એકબીજાના મોઢા પર કેક લગાવવા લાગ્યા, પરિણામે ખોરાકનો બગાડ થયો. કેક કાપતી વખતે કોરોનાના નિયમોના ધજાગરા પણ ઊડ્યા. કોઈએ માસ્ક પહેર્યું નથી અને સામાજિક અંતરનું પાલન કરતા નથી, એ વીડિયોમાં દેખાઈ રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે વાયરલ વીડિયો મુંબઈના ઘાટકોપર વિસ્તારના લાલ બહાદુર શાસ્ત્રી માર્ગનો છે.
મુંબઈ પોલીસે વીડિયોની નોંધ લીધી છે અને આ મામલે તપાસ શરૂ કરી છે.