News Continuous Bureau | Mumbai
Mumbai Navy Nagar મુંબઈ: કોલાબાના નેવી નગરમાં એક મોટી સુરક્ષા ચૂકનો મામલો ઉકેલાયો છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે એક અગ્નિવીર ખલાસીને છેતરીને તેની INSAS રાઈફલ અને ૪૦ જીવતા કારતૂસની ચોરી કરનાર બે શખ્સોની તેલંગાણાના આસિફાબાદ જિલ્લામાંથી ધરપકડ કરી છે.ઝડપાયેલા આરોપીઓની ઓળખ રાકેશ ડુબલા અને ઉમેશ ડુબલા તરીકે થઈ છે, જે બંને એક જ ગામના છે. પોલીસે જણાવ્યું કે બંનેને મુંબઈ લાવીને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. ચોરી થયેલી રાઈફલ અને તમામ ૪૦ કારતૂસ પણ તેમની પાસેથી મળી આવ્યા છે.
આ ઘટના ૬ સપ્ટેમ્બરની રાત્રે બની હતી, જ્યારે આરોપીઓમાંથી એક નૌસેનાના યુનિફોર્મમાં પ્રતિબંધિત નેવી નગર વિસ્તારમાં ઘૂસ્યો હતો. તેણે ડ્યુટી પર હાજર ખલાસી પાસે જઈને પોતે તેનો ‘રિલીવર’ (રિપ્લેસમેન્ટ) હોવાનું જણાવ્યું અને તેની પાસેથી રાઈફલ અને મેગેઝીનનો કબજો લીધો. પોસ્ટ છોડ્યા બાદ તેણે હથિયાર કમ્પાઉન્ડની બહાર ફેંકી દીધું, જ્યાં તેનો સાથી રાહ જોઈ રહ્યો હતો. બીજા આરોપીએ તે હથિયાર ઉપાડી લીધું અને બંને ત્યાંથી તેલંગાણા ભાગી ગયા હતા.
ઘટનાની જાણ થતા જ નૌસેના અને મુંબઈ પોલીસ દ્વારા સંયુક્ત રીતે શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
ભારતીય નૌસેનાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, “મુંબઈના નૌસેનાના રહેણાંક વિસ્તારમાં ૬ સપ્ટેમ્બર ૨૦૨૫ની રાત્રે એક સેન્ટ્રી પોસ્ટ પરથી રાઈફલ અને દારૂગોળો ગુમ થયાની જાણ થઈ હતી. ડ્યુટી પરના એક જુનિયર ખલાસી પાસે અન્ય એક વ્યક્તિ નૌસેનાના યુનિફોર્મમાં આવીને તેને ડ્યુટી પરથી હટાવી દીધો, અને પોતે તેના રિપ્લેસમેન્ટમાં આવ્યો હોવાનું જણાવ્યું. બાદમાં, જે વ્યક્તિએ ડ્યુટી સંભાળી હતી તે રાઈફલ અને દારૂગોળા સાથે ગાયબ જણાયો.”
આ સમાચાર પણ વાંચો : UPI August Record: ઓગસ્ટમાં UPI ટ્રાન્ઝેક્શન 20 બિલિયનને પાર, જાણો કઈ એપ્લિકેશન રહી ટોચ પર
નૌસેનાએ વધુમાં જણાવ્યું કે, “ગુમ થયેલી ચીજવસ્તુઓ પાછી મેળવવા માટે મુંબઈ પોલીસ સાથે સંકલન કરીને વ્યાપક શોધ અભિયાન ચાલી રહ્યું છે. ઘટનાની પરિસ્થિતિની તપાસ માટે બોર્ડ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. આ કેસની તપાસ અન્ય સરકારી એજન્સીઓ પણ કરી રહી છે અને ભારતીય નૌસેના આ પ્રયાસમાં તમામ જરૂરી મદદ કરી રહી છે.”
હાલ બે આરોપીઓની ધરપકડ અને ચોરાયેલા હથિયાર તેમજ દારૂગોળો મળી આવતા, અધિકારીઓએ જણાવ્યું કે હવે તપાસ આ બે આરોપીઓ આટલા સુરક્ષિત વિસ્તારમાં કેવી રીતે ઘૂસી શક્યા તેના પર કેન્દ્રિત કરવામાં આવશે.