ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 19 ફેબ્રુઆરી 2022,
શનિવાર,
જૂહુના બંગલામાં ગેરકાયદે કામની તપાસ કરવા શુક્રવારે મુંબઈ મનપાની ટીમે બંગલાની મુલાકાત બાદ સમસમી ગયેલા કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ હવે પલટો વાર કર્યો છે. શનિવારે પત્રકાર પરિષદ લઈને નારાયણ રાણેએ દિશા સાલિયાનની હત્યા અને બળાત્કાર પાછળ અપ્રત્યક્ષ રીતે મહારાષ્ટ્રના એક પ્રધાનનો હાથ હોવાનો ખળભળાટજનક આરોપો કર્યા હતા.
દિશા સાલિયાન પર બળાત્કાર થયો ત્યારે કયા મંત્રીનો બોડીગાર્ડ ફ્લેટની બહાર હતો તે મુદ્દે નારાયણ રાણેએ સવાલો ઉપસ્થિત કર્યા હોવાથી હવે ફરીથી સુશાંતસિંહ રાજપૂત અને દિશા સાલિયનની હત્યા પ્રકરણમાં નવો વળાંક એવી શક્યતા છે.
આઠ જૂને દિશા સાલિયાન પર બળાત્કાર કરીને તેની હત્યા કરવામાં આવી હતી. અભિનેતા સુશાંત સિંહ આ વાત જાણી ગયો હતો. તેથી સુશાંત સિંહે આ અંગે અવાજ ઉઠાવવાનો નિર્ણય લીધો હતો, તેને કારણે સુશાંત સિંહની પણ તેના ઘરે જ હત્યા કરવામાં આવી હતી, એવો દાવો નારાયણ રાણેએ કર્યો હતો.
શનિવારે મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સમાં બોલી રહ્યા હતા. આ સમયે નારાયણ રાણેએ દિશા સાલિયાન અને સુશાંત સિંહના મૃત્યુ અંગે કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા. દિશા સાલિયન પાસે આત્મહત્યા કરવાનું કોઈ કારણ નહોતું. દિશા સાલિયાનના મિત્ર રોહન રાયે તેને જબરદસ્તીથી પાર્ટીમાં બોલાવી હતી. તે પાર્ટીમાંથી બહાર નીકળી રહી હતી ત્યારે તેના પર બળાત્કાર થયો હતો.
નારાયણ રાણેએ પત્રકાર પરિષદમાં એવો સવાલ પણ કર્યો હતો કે તે સમયે ફ્લેટની બહાર કયા મંત્રીનો સિક્યોરિટી ગાર્ડ હતો? સાત મહિના બાદ પણ દિશા સાલિયાનનો ઓટોપ્સી રિપોર્ટ મળ્યો નથી. દિશા સાલિયાનના બિલ્ડિંગના રજિસ્ટ્રરના પાના કોણે ફાડી નાખ્યા? કયા પોલીસ અધિકારીને તેમાં આટલો રસ હતો એવો સવાલ પણ તેમણે કર્યો હતો. જ્યારે સુશાંત સિંહને આ વાત સમજાઈ તો તેણે કહેવાનું શરૂ કર્યું કે તે કોઈને પાછળ નહીં છોડે. તે સમયે કેટલાક લોકો તેના ઘરે ગયા હતા. બોલાચાલી બાદ સુશાંત સિંહની હત્યા કરવામાં આવી હતી. ત્યારે સુશાંત સિંહના ઘરની બહાર કયા મંત્રીની કાર પાર્ક કરવામાં આવી હતી? સુશાંત સિંહની બિલ્ડીંગમાં CCTV હતા. પરંતુ, સુશાંતની હત્યા બાદ આ સીસીટીવી ગાયબ થઈ ગયા. સુશાંતના મૃતદેહને હોસ્પિટલ લઈ જવા માટે ચોક્કસ વ્યક્તિની એમ્બ્યુલન્સ કેવી રીતે આવી? સુશાંતના મૃતદેહને હોસ્પિટલ કોણ લઈ ગયું? પછી કોઈએ પુરાવાનો નાશ કર્યો.
નારાયણ રાણએ એવો પણ દાવો કર્યો હતો કે તમામ તપાસમાં કયા પોલીસ અધિકારીઓ સામેલ હતા, તેની માહીતી તેમને ખબર છે. તેઓ આ તમામ પુરાવા સંબંધિત તપાસ એજન્સીઓને આપશે. તેથી સુશાંત સિંહ અને દિશા સાલિયાનના મૃત્યુની તપાસ ફરી શરૂ થઈ શકે છે, એવો દાવો પણ રાણેએ પત્રકાર પરિષદમાં કર્યો હતો.
