ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,8 જાન્યુઆરી 2022
શનિવાર.
મુંબઈમાં આવતા પર્યટકોને મુંબઈ દરિયા કિનારા અને ચોપાટીઓનું ભારે આકર્ષણ હોય છે. મુંબઈ મહાગરપાલિકાએ ચોપાટી પર આવતા પર્યટકોની સુરક્ષા માટે લાઈફ ગાર્ડ તૈનાત કરે છે. જોકે ખાનગી કંપની સાથેનો ત્રણ વર્ષનો કોન્ટ્રેક્ટ પૂરો થઈ ગયો છે અને હવે કોઈ નવી કંપની આગળ આવી નથી. તેથી મુંબઈ બીચ પર આવતા પર્યટકોની સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે.
મુંબઈના જુદા જુદા બીચ પર ખાનગી કંપની મારફત લાઈફ ગાર્ડની નિમણૂક કરવામાં આવી હતી. તેમની મુદત પૂરી થતાં પાલિકા બીજી કંપની શોધી રહી હતી. જોકે કોઈ કંપની લાઈફ ગાર્ડ પૂરા પાડવા આગળ આવી નથી. તેથી પાલિકાએ આ કંપનીને જ ત્રણ મહિના માટે એટલે કે માર્ચ 2022 સુધીનો કોન્ટ્રેક્ટ તાત્પૂરતો વધારી આપ્યો છે. જોકે ત્યારબાદ શું કરવું તેની મૂંઝવણ પાલિકાને સતાવી રહી છે.
મુંબઈમાં ગિરગાવ, દાદર, જુહુ, ચોપાટી, વર્સોવા, અક્સા અને ગોરાઈ મુખ્ય ચોપાટી છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે. ખાસ કરીને શનિવાર અને રવિવારની રજાની સાથે જ સાર્વજનિક રજાના દિવસે પુષ્કળ માત્રામાં પર્યટકો આવતા હોય છે.
દરિયામાં તરવા જવાની મનાઈ હોવા છતાં અનેક લોકો દરિયાના પાણીમાં અંદર જતા હોય છે અને પાણીમાં તણાઈ જવાની અને ડૂબી જવાના અકસ્માત બનતા હોય છે. તેથી પાલિકાએ આવા બનાવ ટાળવા માટે ત્રણ શિફ્ટ માટે લાઈફ ગાર્ડ તૈનાત કર્યા છે. હાલ ગોરાઈ બીચ પર 19, વર્સોવા, જુહુ અને અક્સા બીચ પર 48 તો દાદર પર 27 લાઈફ ગાર્ડ રાખ્યા છે.

