ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ મે ૨૦૨૧
શનિવાર
કોરોનાના નવા દર્દીઓને મામલે મુંબઈની સ્થિતિ સુધરી છે, પરંતુ હજી પણ દરરોજ થતાં ૪૦-૫૦ મૃત્યુ અચૂક ચિંતાનો વિષય છે. મૃત્યુ પામતી વ્યક્તિઓમાં વરિષ્ઠ નાગરિકોની સંખ્યા વધુ છે. એથી પાલિકાએ આ સમસ્યા નિવારવા રસીકરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હવે 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો તેમ જ વિકલાંગો કે જેમણે 12 અઠવાડિયાં પહેલાં કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો છે, તેઓને સોમવારથી કોવિશીલ્ડ રસીનો બીજો ડોઝ આપવામાં આવશે. 45 વર્ષથી ઉપરના લાભાર્થીઓને પણ કોવેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવશે.
હાલમાં રસીકરણ અભિયાનનો ત્રીજો તબક્કો ચાલુ છે, પરંતુ ડોઝના અપૂરતા પુરવઠાને લીધે 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે રસીકરણ થોડા દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે અને હાલમાં ફક્ત 60 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન્સને જ રસી આપવામાં આવી રહી છે. મુંબઈમાં અત્યાર સુધીમાં લગભગ 30 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. મુંબઈમાં 11 લાખ વરિષ્ઠ નાગરિકો છે. એમાંથી આઠ લાખને કોવિશીલ્ડ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે સોમવારથી કોવિન ઍપ્લિકેશન પર ત્રણ દિવસ નોંધણી અને ત્રણ દિવસ વૉક-ઇન પદ્ધતિ દ્વારા રસીના ડોઝ આપવામાં આવશે. વરિષ્ઠ અને વિકલાંગોને સોમવાર, મંગળવાર, બુધવારે 'વૉક-ઇન' અને ગુરુવાર, શુક્રવાર અને શનિવારે ૪૫ વર્ષથી ઉપરના લાભાર્થીઓને નોંધણી કર્યા પછી જ રસી આપવામાં આવશે. જોકે60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ આપવાની પ્રક્રિયા ચાલુ રહેશે.
