News Continuous Bureau | Mumbai
Navi Mumbai Crime: તુર્ભે નાકા વિસ્તારમાં આવેલા ‘સાઈ કોમ્યુનિકેશન’ નામના મોબાઈલ શોપના તાળા તોડીને તસ્કોરોએ મોટી ચોરી કરી હતી. ઘટનાની ગંભીરતા જોઈને તુર્ભે પોલીસે તાત્કાલિક સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશનની તપાસ શરૂ કરી હતી. તપાસના અંતે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ મૂળ બિહારના વતની છે અને હાલ તુર્ભે ગામમાં રહેતા હતા.પોલીસે આરોપીઓ પાસેથી ₹૪,૫૧,૦૦૦ ની કિંમતનો મુદ્દામાલ (મોબાઈલ અને રોકડ) જપ્ત કર્યો છે.
ચાર ગુનાઓનો એકસાથે પર્દાફાશ
પોલીસ પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ ગેંગ માત્ર સાઈ કોમ્યુનિકેશનમાં જ નહીં, પરંતુ અગાઉ પણ તુર્ભે અને આસપાસના વિસ્તારોમાં ચોરી કરી ચૂકી હતી. આ ધરપકડ બાદ પોલીસે કુલ ચાર અલગ-અલગ ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. આ ટોળકી મોડી રાત્રે બંધ દુકાનોને નિશાન બનાવી ગણતરીની મિનિટોમાં શટર તોડી ચોરીને અંજામ આપતી હતી.
આ સમાચાર પણ વાંચો : US-India Trade Deal Controversy: વ્હાઇટ હાઉસમાં ભારત વિરુદ્ધ ગેમ પ્લાન? ઓડિયો ક્લિપ લીક થતા ખળભળાટ; જાણો કોણે અને કેમ અટકાવી ભારત-યુએસ ટ્રેડ ડીલ
ટેકનિકલ તપાસ અને ધરપકડ
તુર્ભે પોલીસની તપાસ ટીમે ઘટનાસ્થળના સીસીટીવી કેમેરામાં દેખાતા શકમંદોનો પીછો કર્યો હતો. ટેકનિકલ એનાલિસિસની મદદથી આરોપીઓનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું અને ૨૪ કલાકમાં જ તેમને દબોચી લેવાયા. આરોપીઓ પાસેથી મળી આવેલા મુદ્દામાલમાં ચોરીના અનેક કિંમતી સ્માર્ટફોન અને એસેસરીઝનો સમાવેશ થાય છે.
બિહાર કનેક્શન અને પોલીસ કાર્યવાહી
પકડાયેલા ચારેય આરોપીઓ બિહારથી નવી મુંબઈ આવીને મજૂરીકામના બહાને રહેતા હતા, પરંતુ વાસ્તવમાં તેઓ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હતા. તુર્ભે પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ ગેંગે ચોરીનો માલ અન્ય ક્યાં વેચ્યો છે અથવા તેમની સાથે અન્ય કોઈ સ્થાનિક લોકો સામેલ છે કે કેમ.
