ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 નવેમ્બર, 2021
સોમવાર
મુંબઈ ડ્રગ્સ પાર્ટીના કેસમાં આર્યન ખાન જામીન પર મુક્ત થયો છે. બીજી તરફ NCPના નેતા અને મંત્રી નવાબ મલિક સમીર વાનખેડે વિરુદ્ધ હજુ પણ હલ્લાબોલ કરી રહ્યા છે. નવાબ મલિકે સમીર વાનખેડેના મુસ્લિમ હોવાનો દાવો કર્યો હતો. આ સાબિત કરવા માટે મલિકે અવનવા પુરાવા આપવાનો પ્રયાસ કર્યો છે. જોકે, સમીર વાનખેડે હંમેશા મલિકના આ દાવાને નકારી કાઢે છે. ગત મધરાતે વળી પાછો નવો પુરાવો આપીને નવાબ મલિકે ટ્વીટમાં સમીર વાનખેડેને નિશાન બનાવ્યા છે.
નવાબ મલિકે પોતાના ટ્વિટર એકાઉન્ટમાં સમીર વાનખેડેનો ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં વાનખેડે મુસ્લિમ પોશાકમાં જોવા મળી રહ્યા છે. આ ફોટો ટ્વીટ કરીને તેને આપેલા કેપ્શનમાં નવાબ મલિકે લખ્યું હતું કે કબૂલ હૈ, કબૂલ હૈ, કબૂલ હૈ…આ તમે શું કર્યું, સમીર દાઉદ વાનખેડે? મલિકે ટ્વીટ કરેલા ફોટામાં વાનખેડે લગ્નની ખુરશી પર બેઠેલો જોવા મળે છે. તેની બાજુમાં બેઠેલા એક ગૃહસ્થ કેટલાક દસ્તાવેજો પર સહી કરતા જોવા મળે છે. બંને મુસ્લિમ પોશાકમાં છે. તેથી સમીર વાનખેડેની મુશ્કેલી ફરી એકવાર વધવાની શક્યતા છે.
આ પહેલા પણ નવાબ મલિકે વિવિધ પુરાવાઓ રજૂ કરીને વાનખેડેને મુસ્લિમ સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે વાનખેડેની શાળાના પ્રમાણપત્રો પણ રજૂ કર્યા હતા. આમાંથી કેટલીક જગ્યાએ તેનું નામ સમીર જ્ઞાનદેવ વાનખેડે હતું અને કેટલીક જગ્યાએ તેનું નામ સમીર દાઉદ વાનખેડે હતું. કેટલીક જગ્યાએ ધર્મને હિન્દુ તો કેટલીક જગ્યાએ મુસ્લિમ લખવામાં આવ્યો હતો. આ પછી મલિકે આ નવો ફોટો ટ્વીટ કર્યો અને ફરી એકવાર બધાનું ધ્યાન ખેંચ્યું છે.