ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 જુલાઈ, 2021
ગુરુવાર
જૂના ફ્લૅટના સોદામાં સ્ટૅમ્પ ડ્યૂટીને લઈને હાઈ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, જેનો ફાયદો દક્ષિણ મુંબઈમાં જૂના ફ્લૅટની ખરીદી કે વેચાણ કરનારા લોકોને થવાનો છે.
હાઈ કોર્ટે આપેલા ચુકાદા મુજબ જૂની પ્રૉપર્ટીના જૂના સોદા પર સ્ટૅમ્પ ડ્યૂટી લગાડી શકાશે નહીં. અહીં ઉલ્લેખનીય છે કે દક્ષિણ મુંબઈમાં સ્ટૅમ્પ ડયુટીનો દર વધુ છે. અહીં આવેલી સેંકડો જૂની ઇમારતોમાં જગ્યાના જે સોદા થશે એનો લાભ આ ચુકાદાને કારણે વેચાણ કરનારા અને ખરીદી કરનારા બંનેને મળશે.
નેપિયન્સી રોડ પરના એક વિશાળ ફ્લૅટના લિલામથી થયેલા વેચાણ સંદર્ભે કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. નેપિયન્સી રોડ તહની હાઇટ્સ કૉ-ઑપરેટિવ સોસાયટીમાં 3,300 ચોરસફૂટના ફ્લૅટની સહમાલિકી ધરાવતા લાજવંતી ગોધવાનીએ પ્રૉપર્ટી વિશેના પારિવારિક ઝઘડાને 2008માં, મુંબઈ હાઈ કોર્ટમાં કેસ કર્યો હતો. લાજવંતીના પિતાએ અન્ય સાથે મહિને 10 રૂપિયાના સ્ટૅમ્પ પેપર પર આ ફ્લૅટ ખરીદ્યો હતો. આ દસ્તાવેજ રજિસ્ટર્ડ કરાવ્યો નહોતો. છેવટે ફ્લૅટની લિલામી કરવામાં આવી હતી. સોસાયટીના જ અન્ય રહેવાસીએ એને 38 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો
14 નવેમ્બર, 2018ના સબ-રજિસ્ટારે આ વેચાણનું રજિસ્ટ્રેશન કરવાનો ઇનકાર કર્યો હતો. એ માટે તેણે એવું કારણ આપ્યું હતું કે પ્રૉપર્ટીના અગાઉના જે દસ્તાવેજો છે એના પર અગાઉ કોઈ સ્ટૅમ્પ ડ્યૂટી ભરવામાં આવી નથી. હાઈ કોર્ટે રજિસ્ટારને નોટિસ આપ્યા બાદ 30 નવેમ્બરના વેચાણનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી ફરી જીતવાનું શિવસેનાનું લક્ષ્ય; શરૂ કરી જોરદાર તૈયારીઓ, જાણો વિગત
આ દરમિયાન અરજદારો દ્વારા ફ્લૅટના વેચાણનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે, એથી જૂના દસ્તાવેજો પર ડ્યૂટી ભરવાની જરૂર નથી એવી રજૂઆત કોર્ટમાં કરવામાં આવી હતી. સ્ટૅમ્પ ડ્યૂટી વસૂલનારા ખાતા પાસે કઈ જોગવાઈ હેઠળ જૂના દસ્તાવેજો પર સ્ટૅમ્પ ડ્યૂટી વસૂલમાં આવે છે એનો કોઈ જવાબ નહોતો. એથી કોર્ટે જૂના દસ્તાવેજો પર સ્ટૅમ્પ ડ્યૂટી ઉઘરાવવાની આખી પ્રોસેસને ત્રુટિવાળી ગણવી હતી તથા નોંધ્યું હતું કે કેટલા વર્ષ જૂના દસ્તાવેજો પર સ્ટૅમ્પ ડ્યૂટી લગાડી શકાય એ વિશે સ્ટૅમ્પ ડ્યૂટી વસૂલનારા સરકારી ખાતા પાસે કોઈ સ્પષ્ટતા નથી. એથી બંને તરફથી દાવા-પ્રતિદાવા બાદ કોર્ટે કહ્યું હતું કે જૂના સોદા દરેક રીતે અધૂરા હોય છે. એથી અત્યારે જો કોઈ જૂની પ્રૉપર્ટી ખરીદે કે વેચે તો ખરીદદાર કે પ્રૉપર્ટીના સહમાલિકો વર્ષો જૂના સોદા પર સ્ટૅમ્પ ડ્યૂટી ભરવા બંધાયેલા નથી.
