ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑક્ટોબર, 2021
બુધવાર
આર્થિક રીતે ફસડાઈ પડેલી બેસ્ટ મુંબઈ મહાનગરપાલિકાની આર્થિક મદદ પર જીવી રહી છે. પોતાના કર્મચારીઓને પગાર આપવાના પણ બેસ્ટને ફાંફાં છે ત્યારે પોતાના ખાલી બેસી રહેલા ડ્રાઇવરનો ભાડા પર આપવાનો નવો તુક્કો બેસ્ટ ઉપક્રમના દિમાગમાં આવ્યો છે.
બેસ્ટ ઉપક્રમ નવી બસ ખરીદવાને બદલે પોતાના કાફલામાં ભાડા પર લીધેલી બસની સંખ્યા વધારી રહી છે. તેથી તેના પોતાના ડ્રાઇવર, કેરિયરો કામ વગરના એમ જ બેસી રહેતા હોય છે. બેસી રહેનારા લોકોને કામ વગર પણ પગાર આપવો પડે છે. એથી આવા ડ્રાઇવર, કેરિયરોને સરકારી અથવા ખાનગી સંસ્થાઓને ભાડા પર આપવાની યોજના બેસ્ટ ઉપક્રમે બનાવી છે.
સંબધિત સંસ્થાઓએ દરેક ડ્રાઇવર પાછળ 900 રૂપિયા બેસ્ટ ઉપક્રમને આપવા પડશે. ભાડા પર આપવામાં આવનારા આ ડ્રાઇવરને ઓવરટાઇમ, જમવાનું ભથ્થુ વગેરે કોઈ બેનિફિટ આપવામાં આવશે નહીં. દરેક ડ્રાઇવરને જોકે ત્રણ મહિના માટે આપવામાં આવશે. ઇચ્છુક સંસ્થાઓને આ માટે બેસ્ટનો સંપર્ક સાધવાનું કહેવામાં આવ્યું છે.
