ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,8 જાન્યુઆરી 2022
શનિવાર.
મુંબઈ સહિત મોટાભાગના મહારાષ્ટ્ર ના જિલ્લામાં ફરી એક વખત કમોસમી વરસાદનું આગમન થયું છે. મુંબઈમાં શુક્રવારે મોડી રાતથી અનેક વિસ્તારમાં વરસાદના ઝાપટાં શરૂ થઈ ગયા હતા, તેથી તાપમાનનો પારો પણ નીચે ઉતરી ગયો હતો. આગામી બે દિવસમાં તાપમાનનો પારો હજી નીચે જવાની શક્યતા છે. તો મહારાષ્ટ્રના પણ અનેક જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ પડયો હોવાનું જાણવા મળ્યું હતું.
મુંબઈમાં વહેલી સવારથી જ વાદળિયું વાતાવરણ રહ્યું હતું. અમુક વિસ્તારમાં વહેલી સવારના વરસાદના ઝાપટાં પણ પડી ગયા હતા. જોકે તે અગાઉ શુક્રવારે મોડી રાતના અનેક વિસ્તારમાં વરસાદના હલકા ઝાપટાં પડયા હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું હતું. અચાનક વાતાવરણમાં આવેલા પલટાને કારણે મોડી રાતે વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઈ હતી. મુંબઈ સહિત થાણે, નવી મુંબઈ અને પાલઘરમાં પણ વાતાવરણમાં પલટો જણાયો હતો તેમ જ અહીં પણ વરસાદના હળવા ઝાપટા પડવાનો વર્તારો હવામાન ખાતાએ કર્યો છે.
મુંબઈમાં લોકડાઉન ક્યારે લાગુ પડશે? BMC કમિશનરે લોકડાઉનને લઈને કહી આ વાત; જાણો વિગત
મુંબઈમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં ફરી એક વખત ઠંડક જણાઈ રહી છે. અઠવાડિયા અગાઉ મેક્ઝીમમ તાપમાન 33.3 ડિગ્રીની આસપાસ રહેતું હતું તે બે-ત્રણ દિવસથી ફરીથી 28થી 29 ડિગ્રીની આસપાસ આવી ગયું છે. મુંબઈમાં વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો છે, તે બાબતે હવામાના ખાતાએ જણાવ્યું હતું કે રાજસ્થાનના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયુ છે, જે દરિયામાંના ભેજને પોતાની તરફ ખેંચે છે. તેને કારણે વાતાવરણમાં ઠંડક વ્યાપી જવાની સાથે જ રાજ્યમાં ફરી વરસાદી માહોલ સર્જાયો છે.
મુંબઈ સહિત આગામી બે-ત્રણ દિવસ મુંબઈમાં વાતાવરણ ઠંડુ રહેશે, તો મહારાષ્ટ્રના અમુક જિલ્લામાં વરસાદી માહોલ રહેશે.
