ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
05 માર્ચ 2021
મુંબઈઃ રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન અને દાનવીર નીતા એમ. અંબાણીએ રિલાયન્સના તમામ કર્મચારીઓ અને તેમના પરિવારજનોને આજે એક ઇ-મેલ કરીને વિનંતી કરી છે કે ભારતના કોવિડ-19 વેક્સિનેશન કાર્યક્રમમાં રજિસ્ટ્રેશન કરાવે અને તમામ કર્મચારીઓ, તેમના જીવનસાથી, માતા-પિતા અને બાળકોના વેક્સિનેશનનો ખર્ચ કંપની ઉઠાવશે.
આ ઇ-મેલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રીમતી અંબાણીએ જણાવ્યું હતું કે, આપણા પરિજનોના સ્વાસ્થ્યની સંભાળ લઈને જે ખુશી મળે છે એ અનમોલ છે અને એ જ સાચો મતલબ છે પરિવારનો – રિલાયન્સ પરિવાર.
તેમણે એમ પણ કહ્યું કે, "આપના સહયોગથી, બહુ જલદીથી આપણે મહામારીને પાછળ છોડી દઈશું. સુરક્ષા અને ચોખ્ખાઈના ઉચ્ચત્તમ માપદંડો જાળવવાનું યથાવત રાખો. આપણે મહામારી સામેના સહભાગી સંઘર્ષના અંતિમ તબક્કામાં છીએ. સાથે મળીને આપણે જીતવાનું છે અને જીતીશું."
અગાઉ રિલાયન્સ પરિવાર દિવસ 2020ના સંદેશામાં અધ્યક્ષ મુકેશ અંબાણી અને શ્રીમતી નીતા અંબાણીએ આશ્વાસન આપ્યું હતું કે, ભારતમાં જેવી માન્યતા પ્રાપ્ત કોવિડ-19 વેક્સિન ઉપલબ્ધ થશે કે તરત રિલાયન્સના કર્મચારીઓ અને તેમના કુટુંબીજનો માટે ત્વરિતમાં ત્વરિત વેક્સિનેશન શરૂ કરવાના શ્રેષ્ઠ પ્રયાસ કરાશે. રિલાયન્સ તેના કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે વેક્સિનેશન માટે આગોતરું આયોજન કરશે.
સરકારે વિશ્વનો સૌથી મોટો કોવિડ-19 વેક્સિનેશન કાર્યક્રમ શરૂ કરી દીધો છે.
"કોરોના હારેગા, ઇન્ડિયા જીતેગા " કહીને તેમણે કર્મચારીઓને લખેલો પત્ર સંપન્ન કર્યો હતો.
