ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑક્ટોબર, 2021
બુધવાર
મુંબઈમાં સ્કૂલો સોમવારથી ખૂલી ગઈ છે. ગુરુવારથી ધાર્મિક સ્થળો પણ ખૂલવાના છે, પરંતુ પૂરા મુંબઈનો વહીવટ કરનાર મુંબઈ મહાનગરપાલિકામાં યોજાતી બેઠકો પ્રત્યક્ષ યોજવાને બદલે હજી પણ ઑનલાઇન જ કરવામાં આવી રહી છે. ત્યારે સત્તાધારી પાર્ટી ઑનલાઇન બેઠકના નામે ભ્રષ્ટાચાર આચરી રહી હોવાનો કથિત આરોપ ભાજપ સહિત વિપક્ષે કર્યો છે. મિટિંગમાં પ્રત્યક્ષ હાજરી મળે એ માટે કોર્ટમાં જનહિતની અરજી પણ કરવામાં આવી છે, એના પર સુનાવણી ચાલી રહી છે.
મુંબઈમાં વેક્સિનેશન ઝડપથી થઈ રહ્યું છે. એથી મુંબઈમાં ત્રીજી લહેર આવવાની શક્યતા નહિવત્ હોવાની રજૂઆત મુંબઈ મહાનગરપાલિકાએ સોમવારે બૉમ્બે હાઈ કોર્ટમાં કરી હતી. એથી જો ત્રીજી લહેરની શક્યતા નથી તો પછી મુંબઈ મનપાની સ્ટૅન્ડિંગ કમિટીની મિટિંગ કેમ પ્રત્યક્ષ લેવામાં આવતી નથી એવો સવાલ હાઈ કોર્ટે પ્રશાસનને કર્યો છે.
મોદી સરકારની અનોખી પહેલ; માર્ગ-અકસ્માતમાં ઘાયલને હૉસ્પિટલમાં પહોંચાડશો તો આ ઇનામ મળશે : જાણો વિગત
કોરોનાને પગલે લગભગ દોઢેક વર્ષથી પાલિકાની તમામ સભાઓ પ્રત્યક્ષ લેવાને બદલે ઑનલાઇન લેવામાં આવી રહી છે. એની સામે ભાજપના નગરસેવકોએ હાઈ કોર્ટમાં જનહિતની અરજી કરી આવી હતી. અરજદારોએ મંગળવારની સ્થાયી સમિતીમાં બેસવાની મંજૂરી માગી હતી. કોર્ટે મંજૂરી આપતાં સમયે કહ્યું હતું કે રોજિંદો વ્યવહાર રાબેતા મુજબનો થઈ રહ્યો છે. એથી મિટિંગમાં સભ્યોને પ્રત્યક્ષ બેસવા દેવામાં કોઈ વાંધો નથી.
કોર્ટમાં ચાલી રહેલી દલીલ દરમિયાન પાલિકાના વકીલો દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે કમિટીઓના અધ્યક્ષ અને વિપક્ષના સભ્યોને મિટિંગમાં હાજરી આપવાની છૂટ છે. બાકીના સભ્યોને ઑનલાઇન હાજરી આપવાની હોય છે. જોકે કોર્ટે ભાજપની અરજી પર બંને પક્ષોની દલીલ સાંભળીને અરજદારોને મીટિંગમાં બેસવા દેવા જોઈએ અને આ બાબતે પાલિકાને પાંચ દિવસમાં નિર્ણય લેવાનું કહ્યું હતું.