ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,21 જાન્યુઆરી 2022
શુક્રવાર.
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં સોમવાર 24મી જાન્યુઆરીથી ફરી સ્કૂલો ખોલવાની રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. પહેલા ધોરણથી 12મા ધોરણની સ્કૂલો સોમવારથી ફરી ચાલુ થશે, જેમાં મુંબઈમાં પ્રી પ્રાયમરી સ્કૂલો પણ ખોલવાની મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલ સિંહ ચહલે મંજૂરી આપી દીધી છે.
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં 23 ડિસેમ્બરની આસપાસ કોરોનાના કેસમાં વધારો થવાનું ચાલુ થઈ હતી. કેસની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો આવતા મુંબઈ સહિત મહારાષ્ટ્રની શાળાઓ ફરી બંધ કરી દેવામાં આવી હતી અને ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવામાં આવ્યું હતું.
મુંબઈમાંથી ફેક વેક્સિનેશન સર્ટિ.નો પર્દાફાશ, આટલા આરોપીની થઇ ધરપકડ; જાણો વિગત
જોકે હવે મુંબઈ સહિત રાજ્યમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. તેથી રાજ્યની ટાસ્ક ફોર્સે ફરી શાળા ખોલવામાં કોઈ વાંધો ન હોવાનો રાજ્ય સરકારને અહેવાલ આપ્યો હતો. તેથી સોમવારથી ઓફલાઈન શાળાઓ ફરી ચાલુ કરવાનો નિર્ણય રાજ્યના એજ્યુકેશન ખાતાએ લીધો હતો. જોકે દરેક વિસ્તારમાં કોરોનાની પરિસ્થિતિ કેવી છે તેને આધારે સ્થાનિક પ્રશાસન, કલેકટર, તહેસીલદાર તે મુજબ સ્કૂલ ઓફલાઈન ચાલુ રાખવાનો નિર્ણય લઈ શકશે એવી ચોખવટ પણ શિક્ષણ ખાતાએ કરી છે.
સરકારે સ્કૂલો ફરી ઓફલાઈન ચાલુ કરવાની મંજૂરી આપી દીધી છે, જોકે સ્કૂલ મેનેજમેન્ટે કોવિડને લગતા તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે.
