ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 મે 2021
ગુરુવાર
મુંબઈમાં બહુ જલદી વયોવૃદ્ધ અને શારીરિક રીતે અક્ષમ અને આંખેથી જોઈ નહીં શકનારી વ્યક્તિઓને વેક્સિનેશન સેન્ટર પર જવાને બદલે ઘરે જ કોરોનાની વેક્સિન મળવાની છે. મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈમાં ઘરે-ધરે જઈને નાગરિકોને વેક્સિન આપવાની માગણી કરી હતી. જોકે કેન્દ્ર સરકારે તેને અમાન્ય કરી હતી. હવે મુંબઈ હાઈ કોર્ટે આપેલા આદેશના પગલે જયેષ્ઠ નાગરિકો અને દિવ્યાંગોને વેક્સિન લેવા માટે વેક્સિનેશન સેન્ટર સુધીના લાંબા ચક્કર કાપવામાંથી છુટકારો મળવાનો છે.
હાઈ કોર્ટમાં એક જનહિતની અરજી કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ અનિલ સિંહે એવી દલીલ કરી હતી કે ઘરે ઘરે જઈને વેકિસન આપવું શક્ય નથી. એ માટે સરકારે કોઈ પૉલિસી પણ બનાવી નથી. કેન્દ્ર સરકારના આવા વલણ સામે હાઈ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. હાઈ કોર્ટ કહ્યું હતું કે જો મુંબઈ મહાનગરપાલિકા ઘરે–ઘરે જઈને વેક્સિન આપવા માગતી હોય તો એને મંજૂરી આપવામાં અમને કોઈ વાંધો નથી.
જનહિતની અરજીની સુનાવણી દરમિયાન મુંબઈ હાઈ કોર્ટે કેન્દ્ર સરકારની વેક્સિનેશન માટેની સમિતિની પણ તીખા શબ્દોમાં ટીકા કરી હતી. પથારીમાં રહેલી બીમાર વ્યક્તિ, વૃદ્ધ અને શારીરિક રીતે અક્ષમ લોકોને વેક્સિનેશન સેન્ટરમાં લઈ જઈને વેક્સિન આપવા માટે વ્યવસ્થા કરવામાં આવે છે, તો તેમને ઘરે જઈને કેમ વેક્સિન આપવામાં આવતી નથી? એ બાબતનો આ સમિતિ વિચાર કેમ નથી કરતી? એવો સવાલ હાઈ કોર્ટે કર્યો હતો. દેશમાં એવાં અનેક સ્થળો છે જ્યાં સાંકડી ગલીઓમાં બિલ્ડિંગ આવેલાં છે, ત્યાંથી સ્ટ્રેચર લઈને પણ વ્યક્તિને બહાર ન લાવી શકાય, તો તમે એ માટે શું કરશો? એવો સવાલ પણ હાઈ કોર્ટે સરકારને કર્યો હતો.