ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
02 ફ્રેબ્રુઆરી 2021
મહારાષ્ટ્રમાં હાલ ઉદ્ધવ સરકાર છે. તેમજ મુંબઈ મહાનગર પાલિકા પર શિવસેના નું શાસન છે. આ પરિસ્થિતિમાં શિવસેના ગમે તે ભોગે મુંબઈ શહેર પર પોતાની સત્તા જાળવી રાખવા માંગે છે. ગત ચૂંટણીમાં શિવસેના પ્રથમ વખત ભાજપથી અલગ થઈને ચૂંટણી લડી હતી. અત્યારે શિવસેના સ્વબળ સત્તા ચલાવી રહી છે.
હવે મુંબઈ શહેરમાં પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. શિવસેના અને ભાજપ દરેક સ્તર પર એકબીજાની વિરુદ્ધ માં ઉભા છે. આથી શિવસેના અને ભાજપ બન્ને પક્ષ અત્યારે ચિંતામાં છે કે મુંબઈ વાસીઓ કોના તરફ વધુ ઢળશે.
આ માટે શિવસેના અનોખી રણનીતિ ઘડી કાઢી છે. શિવસેનાનું મદાર મરાઠી વોટરો પર છે. હવે તેઓ ગુજરાતી વોટરો માં પોતાનો ભાગ ઇચ્છે છે. આથી શિવસેના પાર્ટી એ ગુજરાતી સેલને એક્ટિવેટ કર્યો છે. જોગેશ્વરી માં ગુજરાતી સંમેલન કર્યા બાદ હવે મલાડ વિસ્તારમાં ગુજરાતી સંમેલન થઈ રહ્યું છે. બીજી તરફ જે વિસ્તારમાં ગુજરાતી અને મરાઠી આ બંને સમુદાયના લોકોની સંખ્યા સમાન છે.એવા વિસ્તારમાં શિવસેનાએ બંધબારણે બેઠક યોજવાનું શરૂ કર્યું છે. હાલમાં જ ઘાટકોપર પૂર્વમાં શિવસેનાએ બંધબારણે બેઠક યોજી હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે શિવસેના 150 સીટ પર વિજય મેળવીને મુંબઈ મહાનગર પાલિકામાં વધુ એક વખત સત્તામાં આવશે.
શિવસેના પોતાની તાકાત ઉપર 80 થી 90 સુધી પહોંચી શકે છે. આ તેનો બેઝ વોટ છે. હવે ત્યાંથી આગળ વધવા માટે તેને અન્ય સમુદાયના વોટની જરુર છે.
બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પણ મહેનત કરી રહી છે.
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીને આડે માત્ર એક વર્ષ જેટલો સમય છે.આ પરિસ્થિતિમાં શિવસેના ગુજરાતીઓને કેટલા મસ્કા મારે છે તે જોવું રહ્યું.