ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 નવેમ્બર, 2021
શુક્રવાર
વિદ્યાર્થીઓ માટે દસમા ધોરણની પરીક્ષા ખૂબ મહત્વની હોય છે. આખું વર્ષ વિદ્યાર્થીઓ ચુસ્ત ટાઈમ ટેબલ બનાવીને અભ્યાસ કરતા હોય છે. સમય વધુ વેડફાઈ ન જાય તેનું ધ્યાન રાખતા હોય છે અને આ વિદ્યાર્થીઓ માટે તેમનું પરીક્ષા સેન્ટર પણ એવી રીતે જ ફાળવવામાં આવે કે વિદ્યાર્થીઓનો વધુ સમય પ્રવાસમાં બરબાદ ન થાય અને કોઈપણ જાતની હાલાકી વગર પરીક્ષા ખંડમાં પહોંચી શકે, પરંતુ મલાડની એક CBSE શાળાના ધોરણ 10ના 60 જેટલા વિદ્યાર્થીઓને લગભગ 25 કિલોમીટરના અંતરે આવેલા પરેલમાં પ્રથમ સેમિસ્ટરની બોર્ડ પરીક્ષાઓ માટે કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે. જેની સામે વાલીઓએ વાંધો ઉઠાવ્યો હતો.
સાવચેત રહેજો! કોરોના બાદ હવે નવા વાયરસે આપી દસ્તક, વિશ્વના આ દેશમાં સામે આવ્યા કેસ; જાણો વિગત
આ વિદ્યાર્થીઓએ પ્રથમ સેમેસ્ટર બોર્ડની પરીક્ષા માટે પરેલની KMS અંગ્રેજી શાળામાં જવું પડશે. જ્યારે ધોરણ 12 અને 10 માટેના માઈનર પેપર 16અને 17 નવેમ્બરથી શરૂ થયા છે. ધોરણ 10 અને 12 માટે મુખ્ય પેપર 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરથી શરૂ થશે.
એક મીડિયાના અહેવાલ મુજબ બિલબોંગ હાઈ ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓએ પુણેમાં CBSE પ્રાદેશિક કાર્યાલયને પત્ર લખ્યો હતો. વાલીઓએ પત્રમાં જણાવ્યું હતું કે મુંબઈના ટ્રાફીકમાં પરીક્ષા દરમિયાન 25-30 કિમી પ્રવાસ કરવાથી બાળકોને હેરાનગતિ થઈ શકે છે.
શાળાના પ્રવક્તાએ મીડિયાને કહ્યું હતું કે શાળાએ CBSE સત્તાવાળાઓ સાથે વાત કરી છે. જેમણે ખાતરી આપી છે કે પરીક્ષા કેન્દ્રને બદલીને મલાડની શાળામાં રાખવામાં આવશે. બદલાયેલા સેન્ટર સાથેના એડમિટ કાર્ડ સોમવાર સુધીમાં જારી કરવામાં આવશે.
