ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨3 જૂન ૨૦૨૧
બુધવાર
બોરીવલીના સંજય ગાંધી નેશનલ પાર્કમાં ૪૦થી વધારે દીપડા છે. તેમને શિકાર કરવામાં અડચણો, અવરોધો અનેક પડકારોનો સામનો કરવો પડતો હોવાથી તે નેશનલ પાર્કની બહાર નીકળી અને ખાવાનું ગોતે છે. દીપડાઓ માનવી વસ્તીમાં આવી રહ્યાનું આ કારણ નેશનલ પાર્કના વન્યપ્રાણી રેસ્ક્યુ ટીમના અધિકારીએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું. જોકે, ૨૦૧૭થી એવી કોઈ જ ઘટના બની નથી, જેમાં દીપડાએ માણસો પર હુમલો કર્યો હોય.
લોકો માને છે કે દીપડા માટે જંગલમાં પૂરતો ખોરાક ઉપલબ્ધ ન હોવાથી દીપડાઓ માનવ વસ્તીમાં આવે છે, પરંતુ હકીકતે દીપડા જયારે જંગલમાં શિકાર કરવા નીકળે છે ત્યારે વાંદરાઓ અને પક્ષીઓ અવાજ કરી બીજા પ્રાણીઓને સાવચેત કરી નાખે છે. તેથી દીપડાઓ સહેલાઇથી ખોરાક મેળવવા રાત્રે માનવ વસ્તી વાળા વિસ્તારમાં ભ્રમણ કરતા જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે આ દીપડા અનેક વખત નેશનલ પાર્કની આસપાસના વિસ્તારમાં ફરતા જોવા મળે છે અને ત્યાં ફરતા શ્વાન પર હુમલો કરી તેનો શિકાર કરે છે. રાત્રીના સમયે ભટકતા શ્વાનનો શિકાર કરવા હેતુ આ દીપડા સોસાયટીઓમાં પણ જોવા મળ્યા છે. તેવી માહિતી નેશનલ પાર્કના અધિકારીએ આપી હતી.
