ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 સપ્ટેમ્બર 2020
મુંબઈમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે, ત્યારે મહાનગરપાલિકા પોતાની જવાબદારી નાગરિકો અને સોસાયટીઓ પર ધકેલવાની કોશિશ કરી રહી છે. જે તે વિસ્તાર માંથી કોવિડ ના દર્દી મળી આવતા, મનપા દ્વારા જે તે સોસાયટીને નોટિસ આપવામાં આવી રહી છે. આ નોટિસ ની ભાષા થી સ્થાનિક હોદ્દેદારો રોષે ભરાયા છે.
સોસાયટીને નોટિસ આપવામાં આવી છે તેમાં જણાવાયું છે કે સરકારની મેડિકલ ગાઈડલાઈનનું તમે બરાબર પાલન કર્યું ન હોવાથી કોરોનાના દર્દી તમારી બિલ્ડિંગમાંથી મળી આવ્યા છે. આ માટે સોસાયટીના પદાધિકારીઓ સામે કાર્યવાહી કરવાની ચિમકી પાલિકાની નોટિસ આપવામાં આવી છે.. કોરોના ના કેસ સંબંધિત પાલિકાનું આવું વલણ હોવાથી સોસાયટીના પદાધિકારીઓ નારાજ થયા છે.. તેમનું કહેવું છે કે 'ધીમે ધીમે શહેરમાં અનલોકની પ્રક્રિયા શરૂ થયા બાદ લોકો નોકરી, ધંધા પર જવા લાગ્યા છે. આવામાં કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થઈ જાય તો એ માટે સોસાયટીના હોદ્દેદારો કેવી રીતે જવાબદાર ગણાવી શકાય !? એવો સવાલ પૂછાઇ રહ્યો છે.
કોરોના ના કેસમા ફરી વધારો નોંધાતા મનપા પોતાની જવાબદારી સમઝવાને બદલે આવી જ ભાષામાં જો સોસાયટીના પદાધિકારીઓ ને નોટીસ આપશે, તો સોસાયટીની કમિટીના સભ્યો રાજીનામાં આપવા માંડશે, ત્યાર પછી સોસાયટી નું કામ કેવી રીતે થશે એ પણ મોટો પ્રશ્ન છે.
એક સોસાયટીના અધ્યક્ષએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે 'એક બાજુ સરકાર કહી રહી છે કે એકબીજાને મદદ કરો. બીજીબાજુ પાલિકાના અધિકારીઓ સોસાયટીના હોદ્દેદારો ને કોરોના માટે જવાબદાર ઠેરવી પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી રહી છે. આથી જો જનતા અને પાલિકા વચ્ચે આ બાદ વિવાદ ઉભો ન થાય એવું ઇચ્છતા હોય તો મહાનગરપાલિકાએ પોતાની નોટીસ મોકલવાની ભાષા સુધારવી પડશે.' એમ પણ તેમણે જણાવ્યું હતું..