ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 ઓક્ટોબર, 2021
બુધવાર
હોટલ અને રેસ્ટોરન્ટને મધરાત સુધી ખુલ્લા રાખવાના નિર્ણયને હોટલ વ્યવસાયિકોએ આવકાર્યો છે. છેલ્લા દોઢ વર્ષમાં કોરોના સંકટને કારણે 25 લાખ કામદારોએ નોકરી ગુમાવી છે. તેમાં મુંબઈની 40 ટકા નોકરીઓનો સમાવેશ થાય છે. હવે એવી માગ કરવામાં આવી રહી છે કે બાકીની નોકરીઓ બચાવવા માટે હોટલને અડધી રાત સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવે.
કોરોના સંકટથી હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગને ભારે ફટકો પડ્યો છે. એક બાજુ, સરકાર તરફથી અત્યાર સુધી પ્રતિબંધો હતા અને દોઢ વર્ષથી પર્યટન બંધ હોવાથી ગ્રાહકો મર્યાદિત થયા છે. હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા (હાર્વી)ના પ્રમુખ શેરી ભાટિયાએ મધ્યરાત્રિ 12 સુધી રેસ્ટોરન્ટને મંજૂરી આપવાના નિર્ણયને આવકાર્યો હતો. પરંતુ તેમનો મત છે કે આ છૂટછાટ પૂરતી નથી. જ્યારે ધંધો બંધ હતો ત્યારે પણ મોટાભાગના રેસ્ટોરન્ટ માલિકોએ કર્મચારીઓને પૂરેપૂરું વેતન ચૂકવ્યું હતું. વહીવટ કર અને અન્ય તમામ ફી ચૂકવવી પડે તેમ હોવાથી ધંધો ભારે ખોટમાં ચાલી રહ્યો છે. મોટાભાગની હોટલો અને રેસ્ટોરન્ટનો ધંધો રાત્રે 10 વાગ્યા પછી ચાલતો હોય છે.
એટલા માટે રાજ્યમાં લગભગ 50 લાખ નોકરીઓ બચાવવા રાતના દોઢ વાગ્યા સુધી હોટલો ખુલ્લી રાખવાનો સમય આપવો જોઈએ. તેવી ભાટિયાએ માગણી કરી હતી.
દિવાળી જેવા મહત્વના તહેવારો પહેલા રેસ્ટોરન્ટનો સમય વધારવાનો નિર્ણય ચોક્કસપણે આવકાર્ય છે. તેની સખત જરૂર હતી. રેસ્ટોરન્ટના સમયમાં વધારો તહેવારોનો ઉત્સાહ બમણો કરશે. તેવું 'આહાર'ના પ્રમુખ શિવાનંદ શેટ્ટીએ કહ્યું હતું.
