ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 જૂન 2021
શનિવાર
મુંબઈમાં બોગસ રસી આપવાનો ફાંડો ફૂટી ગયો છે. કાંદિવલી પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં ચારની ધરપકડ કરી છે. તપાસમાં બોગસ વેક્સિનેશન કૅમ્પ ચલાવનારી આ ટોળકીએ અત્યાર સુધી 9 જગ્યાએ આવા બોગસ કૅમ્પ રાખીને લોકોને ઠગ્યા હોવાનું બહાર આવ્યું છે.
પોલીસે અત્યાર સુધી આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરી છે તથા તેમની પાસેથી 9 લાખ રૂપિયા તેમ જ હૉસ્પિટલના બનાવટી આઇ-કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે. અત્યાર સુધી આ લોકોએ અંધેરી, કાંદિવલી, બોરીવલી જેવા વિસ્તારમાં લોકોને ઠગ્યા છે. એમાં બોરીવલીની આદિત્ય કૉલેજ સહિત પ્રોડ્યુસર રમેશ તૌરાણીનો પણ સમાવેશ થાય છે. કાંદિવલીની હીરાનંદાની હેરિટેજમાં રહેવાસીઓએ તેમને બનાવટી વેક્સિન મળી હોવાની ફરિયાદ કર્યા બાદ પૂરો બનાવ પ્રકાશમાં આવ્યો હતો.
કાંદિવલી પોલીસના જણાવ્યા મુજબ વેક્સિનેશન કૅમ્પ રાખનારી હૉસ્પિટલોએ મુંબઈ મહાનગરપાલિકાની જાણ કરવાનું ફરજિયાત છે. છતાં કાંદિવલીમાં કૅમ્પ કરનારી આ ટોળકીએ પાલિકાને જાણ નહોતી કરી. વેક્સિન આપતી સમયે કોઈ ડૉક્ટર હાજર નહોતો. તેમ જ અન્ય કોઈ નિયમોનું પણ તેમણે પાલન કર્યું નહોતું. આરોપીમાં બે આરોપી હૉસ્પિટલ સાથે સંકળાયેલા હતા.