News Continuous Bureau | Mumbai
World Gujarati Language Day કોઈપણ સમાજ પોતાના સાહિત્ય સર્જકો, અનુવાદકો, કલાકારો અને સામાજિક કર્મશીલોને કઈ રીતે પોંખે છે તેના પરથી તેની સાંસ્કૃતિક સમજણનો ગ્રાફ નક્કી થાય છે. આ જ ઉદ્દેશ્ય સાથે કાંદીવલી પશ્ચિમના ઠઠ્ઠાઈ ભાટીયા હોલ ખાતે આગામી ૨૩ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ (World Gujarati Language Day) નિમિત્તે શ્રી ગુજરાતી પરિવાર ફાઉન્ડેશન દ્વારા એક ભવ્ય સાંસ્કૃતિક અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
World Gujarati Language Day – અતિથિ વિશેષ અને માનવંતા મહેમાનોની ઉપસ્થિતિ
સાંજે ૫:૦૦ થી ૯:૦૦ વાગ્યા દરમિયાન યોજાનાર આ વિશેષ કાર્યક્રમમાં ગુજરાતથી માનનીય સાંસદ પુરુષોત્તમ રૂપાલા વિશેષ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપશે. આ ઉપરાંત મહારાષ્ટ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રી આશિષ શેલાર, મુંબઈના મેયર રિતુ તાવડે અને માનનીય ધારાસભ્ય યોગેશ સાગર સહિતના અગ્રણી મહાનુભાવો પણ આ મંચની શોભા વધારશે અને કલા-સાહિત્ય જગતના દિગ્ગજોને સન્માનિત કરશે.
World Gujarati Language Day – સાહિત્ય, કલા અને સમાજસેવા સાથે જોડાયેલી પ્રતિભાઓનું સન્માન
આ ભવ્ય સમારોહમાં વરિષ્ઠ સર્જક દિનકર જોશી, લોકસાહિત્ય ગાયક ચેતન ગઢવી, નાટ્ય લેખક મિહિર ભૂતા, કલાકારો મીનળ પટેલ, લીલી પટેલ, અભિજીત ચિત્રે, અભય હરપળે, આશિષ જાની તથા કવિ સંજય પંડ્યાનું સન્માન કરવામાં આવશે. સાથે જ અશ્વિની બાપટ, કલ્પના દવે, પ્રતિમા પંડ્યા, વૈશાલી ત્રિવેદી, વર્જેશ સોલંકી, નીલાબેન સોની, ડૉ. ગિરીશ ડાબકે તેમજ ભાષાપ્રસાર માટે કાર્યરત અનંતરાય મહેતા અને મીનાબેન મહેતાને પણ બિરદાવવામાં આવશે. આ ઉપરાંત ડૉ. દિલીપ રાયચુરા, વિરલ ચીતલીયા, હિરેન ભૂતા, પિયુષ સુરા અને જીતેન્દ્ર કડકીયા જેવા સામાજિક કર્મશીલોનું પણ સન્માન કરાશે.
World Gujarati Language Day – ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ અને આયોજનની વિશેષતાઓ
આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન જાણીતા વક્તા અશ્વિન મહેતા કરશે, જ્યારે સાંસ્કૃતિક પ્રસ્તુતિઓનું સંચાલન નેહા કેશવાની દ્વારા સંભાળવામાં આવશે. શ્રી ગુજરાતી પરિવાર ફાઉન્ડેશનના ચેરમેન મુકેશ કડકીયાના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહેલા આ જાહેર કાર્યક્રમમાં જોડાવા માટે સંસ્થા દ્વારા તમામ પરિવારજનો, મિત્રો અને ભાષાપ્રેમી ભાવકોને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. (વધુ માહિતી માટે મુકેશ કડકીયાનો +૯૧ ૯૩૨૨૪ ૦૧૮૪૭ અથવા +૯૧ ૯૦૨૨૦ ૧૧૮૪૭ પર સંપર્ક કરી શકાય છે.)
👉 આ સમાચાર વાચો:
Poonam Dhillon Health સિને આર્ટિસ્ટ એસોસિએશનના વિવાદ વચ્ચે અભિનેત્રી પૂનમ ધિલ્લોન હોસ્પિટલમાં દાખલ, આ બીમારીની ચપેટમાં આવી અભિનેત્રી
