Visdaliya Rural Mall: માંડવી તાલુકાના વિસડાલીયા ગામે દેશનો પ્રથમ ટ્રેડમાર્ક પ્રાપ્ત રૂરલ મોલ

Visdaliya Rural Mall: આદિમજૂથો માટે વિકાસ અને રોજગારીનું આગવું કેન્દ્ર સમાન વિસડાલીયા રૂરલ મોલ થકી ૩૨ ગામના ૩૦૦ લોકોએ રોજગારી અને આત્મનિર્ભરતા મેળવી

India’s First Trademarked Rural Mall at Visdaliya Empowers Tribal Communities

News Continuous Bureau | Mumbai

માંડવી તાલુકાના વિસડાલીયા ગામે સુરત વનવિભાગ દ્વારા શરૂ કરાયેલો ‘રૂરલ મોલ’ દેશનો પ્રથમ ટ્રેડમાર્ક પ્રાપ્ત રૂરલ મોલ છે, જે આદિમજૂથોને રોજગારી અને આત્મનિર્ભર બનવાની તક પૂરી પાડી રહ્યો છે. ટ્રેડમાર્ક મેળવ્યા બાદ આ મોલ ગ્રામીણ આદિજાતિ મહિલાઓને રોજગારી અને આત્મનિર્ભર બનાવવામાં મોટું યોગદાન આપી રહ્યો છે. વિસડાલીયા આસપાસના ૩૨ ગામોના ૩૦૦ જેટલા આદિજાતિ કારીગરો મોલ સાથે જોડાયેલા છે. આદિમજૂથની મહિલાઓ ઘરની ચાર દીવાલોમાંથી બહાર આવી મસાલા, પાપડ અને બેકરીના વ્યવસાયમાં તાલીમ મેળવી આત્મનિર્ભર બની છે. અહીં હસ્તકળા વસ્તુઓ, બેકરી પ્રોડક્ટ્સ, મસાલા યુનિટ, દાળ-મસાલા પ્રોસેસિંગ, આયુર્વેદિક ઉત્પાદનો અને મશરૂમનું વેચાણ થઇ રહ્યું છે.
આદિમજૂથોને સશક્ત બનાવવા બદલ વર્ષ ૨૦૧૯માં કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા વિસડાલીયાને દેશના ટોચના નવ ક્લસ્ટરમાં સ્થાન અપાયું હતું. તેમજ આદર્શ કાર્યોને કારણે વર્ષ ૨૦૨૨માં પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડથી પણ હાંસલ કર્યો હતો.
વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી સ્વદેશી ઉત્પાદનો ખરીદવા માટે દેશવાસીઓને જાગૃત્ત થઈ રહ્યા છે, ત્યારે વિસડાલીયા રૂરલ મોલ સ્વદેશીની સંકલ્પનાને હકીકતમાં ફેરવી ‘વોકલ ફોર લોકલ’નો સંદેશ આપી રહ્યો છે.
માંડવી ફોરેસ્ટ ઓફિસર (નોર્થ રેન્જ) રવિન્દ્રસિંહ પ્રવિણસિંહ વાઘેલાએ જણાવ્યું કે, વર્ષ ૨૦૧૩માં દેશમાં સૌપ્રથમ વખત સુરત વન વિભાગે માંડવી તાલુકાના વિસડાલિયા ખાતે રૂરલ મોલ શરૂ કર્યો હતો. શરૂઆતમાં મોલે વાંસ આધારિત હસ્તકળા અને ફર્નિચર નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જ્યારે ૨૦૧૩થી ૨૦૧૮ દરમિયાન સુરત, ભરૂચ, નર્મદા અને તાપી જિલ્લાના કોટવાળીયા સમાજના લોકોને તાલીમ આપવામાં આવી. વર્ષ ૨૦૧૮ પછી મશરૂમ ખેતી, દાળ-મસાલા પ્રોસેસિંગ, બેકરી, ફ્લેવર વોટર અને કાચી ઘાણી તેલ જેવા નવા યુનિટ શરૂ કરાયા. મોલની સફળતા બાદ ૨૦૨૨-૨૩માં નેત્રંગ, છોટાઉદેપુર, ડેડિયાપાડા અને ડાંગમાં પણ આ પ્રકારના રૂરલ મોલ શરૂ કરાયા.

Join Our WhatsApp Community

India’s First Trademarked Rural Mall at Visdaliya Empowers Tribal Communities


વધુમાં તેમણે કહ્યું કે, વિસડાલિયા રૂરલ મોલ આજે માત્ર એક વેપારી કેન્દ્ર નથી, પરંતુ આદિજાતિ સમાજને આગળ વધવા માટેનો માર્ગ બન્યો છે. વાંસની બનાવટોથી કારીગરોને નવી ઓળખ મળી છે. અગાઉ આદિજાતિ પરિવારો માટે રોજગારીના મર્યાદિત સાધનો હતા, પરંતુ હવે તેઓ હસ્તકલાની વસ્તુઓને સીધા સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં વેચી શકે છે. યુવાનો અને મહિલાઓએ તાલીમ મેળવીને પોતાના જીવનસ્તરમાં નોંધપાત્ર સુધારો કર્યો છે.
આ મોલે સાબિત કર્યું છે કે યોગ્ય માર્ગદર્શન અને સહાય મળે તો ગ્રામ્ય સમાજ આત્મનિર્ભરતા અને સમૃદ્ધિ તરફ આગળ વધી શકે છે. સુરત વન વિભાગ માટે ગૌરવની વાત છે કે વિસડાલિયા મોલ આજે સમગ્ર ગુજરાત માટે આદર્શ મોડેલ બન્યો છે એમ શ્રી વાઘેલાએ કહ્યું હતું.
વિસડાલિયા રૂરલ મોલના ક્લસ્ટર હેડ વિનિતકુમારે જણાવ્યુ હતું કે, રૂરલ મોલ સાથે જોડાયેલા કારીગર પરિવારો અને હસ્તકલામાં માહેર મહિલાઓ અગાઉ પોતાના ઉત્પાદનોને માત્ર સ્થાનિક હાટબજારમાં જ વેચી શકતા હતા, પરંતુ હવે ટ્રેડમાર્ક મળવાથી તેમના ઉત્પાદનોએ વૈશ્વિક પહોંચ મેળવી છે. મોલ મેનેજમેન્ટ દ્વારા મળતી તાલીમ, આધુનિક સાધનો અને બજારમાં સીધી પહોંચને કારણે તેમની આવકમાં સતત વધારો થયો છે. હાલ વિસડાલીયા કલસ્ટર થકી આજુબાજુના ૩૨ ગામના ૩૦૦થી વધુ લોકોને રોજગારી આપવામાં આવી રહી છે તેમજ રૂરલ મોલ દરરોજ ૫૦-૬૦ લોકો કામ કરવા માટે આવે છે, પહેલા શરૂઆતમાં આ લોકો મહિને ૩ થી ૪ હજારની કમાણી કરતાં હતા તે આજે ૮ થી ૨૨ હજાર સુધીની આવક મેળવી રહ્યાં છે
આદિજાતિ યુવાનો વાંસમાંથી બનતું ફર્નિચર, ઘરગથ્થું સામાન અને હસ્તકલાની ચીજવસ્તુઓ બનાવી રહ્યા છે. આવનારા સમયમાં મિલેટ પ્રોસેસિંગ, પ્રાકૃતિક ખેતી અને અન્ય યુનિટોમાં વધુ લોકોને જોડીશું એમ જણાવી તેમણે ઉમેર્યું કે, આવકમાં વૃદ્ધિ થવાથી આદિજાતિ કારીગરોમાં આત્મવિશ્વાસ, આર્થિક સ્વતંત્રતા અને સામાજિક દરજ્જો વધ્યો છે. મોલના ઉત્પાદનોનું વેચાણ સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં થતું હોવાથી તે સમગ્ર ગુજરાત અને દેશ માટે પ્રેરણારૂપ બન્યું છે.
જો આપણે સ્વઉત્પાદિત સ્વદેશી વસ્તુઓ ખરીદીશું તો આપણા ગામ, શહેરના કારીગરો, ઉદ્યોગો અને નાના વ્યવસાયીઓને રોજગારી-આજીવિકાના નવા સ્ત્રોતો મળશે એમ તેમણે કહ્યું હતું.


કોટવાળીયા સમાજના હસ્તકળા ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી: મહિલાઓ બની આત્મનિર્ભરતાનો માર્ગ

અહીં કોટવાળીયા સમાજના કારીગરો વાંસમાંથી સોફા સેટ, ખુરશી, ટેબલ, હિંચકા, સુશોભનની ચીજો સહિત અનેક ઘરગથ્થું સામાન તૈયાર કરે છે. તેમના ઉત્પાદનો માત્ર ગુજરાત પૂરતા મર્યાદિત નથી, પરંતુ મુંબઈ, દિલ્હીથી લઈને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ પહોંચે છે. રોજગારીના આ કેન્દ્રના કારણે આજુબાજુના યુવાનો પોતાની કુશળતાને વ્યવસાયરૂપે વિકસાવી રહ્યા છે. મોલમાં મળતી તાલીમ અને સુવિધાઓ દ્વારા આદિજાતિ મહિલાઓ સ્વરોજગારી તરફ વળી છે.

શિક્ષણ સાથે તાલીમનો નવો અભિગમ

રૂરલ મોલમાં લાયબ્રેરી અને અભ્યાસ કેન્દ્ર ઉભા કરાયા છે, જ્યાં આદિજાતિ બાળકો અભ્યાસ કરીને પોતાના ભવિષ્યને ઘડી રહ્યા છે. ઘણા વિદ્યાર્થીઓએ સરકારી નોકરીઓ મેળવી છે. સુરત જિલ્લા વન વિભાગ દ્વારા વાંસ હસ્તકળા, બેકરી, મશરૂમ ખેતી અને ફર્નિચર બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે. સાથે જ વન સંવર્ધન અને જળ સંરક્ષણની કામગીરી પણ ચાલી રહી છે.

(ખાસ લેખઃમેહુલ વાંઝવાલા)

Surat Civil Hospital: સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પાંચ મહિના દરમિયાન લીથોટ્રીપ્સી પધ્ધતિથી ૫૬ દર્દીઓની પથરીઓ દુર કરવામાં આવીઃ
YouthFestival2025: યુવા ઉત્સવ-૨૦૨૫–‘૨૬માં ભાગ લેવા ઇચ્છુકોએ તા.૧ ઓક્ટોબર સુધીમાં ફોર્મ ભરવા અનુરોધ
Shantaben Mochi: ૭૦ની ઉંમરે પણ કામમાં અડગ: સુરતની શાંતાબેન મોચી અનેક બહેનો માટે પ્રેરણારૂપ
Surat body donation: સુરતના ધોરાજીયા પરિવારે સ્વર્ગસ્થ વડીલનું દેહદાન, નેત્રદાન કર્યું
Exit mobile version