News Continuous Bureau | Mumbai
Mumbai Crime News મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ગુજરામાંથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ કરીને તેને મુંબઈ લાવવામાં આવ્યો હતો. આરોપીએ ટ્રેનમાં બાળકનું ગળું દબાવીને તેની હત્યા કરી અને પછી મૃતદેહને શૌચાલયના ડસ્ટબિનમાં નાખી દીધો હતો. આ મામલામાં પોલીસે સોમવારે અમરેલીથી આરોપીની ધરપકડ કરી છે. આરોપીનું નામ વિકાસ શાહ છે અને તે મૃત બાળકનો માસી નો ભાઈ હોવાનું સામે આવ્યું છે.
શૌચાલયના ડસ્ટબિનમાં મૃતદેહ છુપાવ્યો
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ શુક્રવારે સુરતના અમરોલી વિસ્તારમાંથી બાળકનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તે બાળકને મુંબઈ લઈ આવ્યો અને કુશીનગર એક્સપ્રેસની (Train No. 22537) AC કોચ B2 ના બાથરૂમમાં ગળું દબાવીને તેની હત્યા કરી. મૃતદેહ છુપાવવા માટે તેણે તેને શૌચાલયના ડસ્ટબિનમાં નાખી દીધો અને નાસી ગયો. શનિવારે વહેલી સવારે લગભગ 1 વાગ્યે ટ્રેનની સફાઈ ચાલી રહી હતી ત્યારે સફાઈકર્મીઓએ આ મૃતદેહ જોયો. ટેક્નિકલ સર્વેલન્સ અને લોકેશન ટ્રેકિંગની મદદથી આરોપીનો પત્તો લગાવવામાં આવ્યો. બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાંથી મળેલા સિગ્નલના આધારે તેને સુરતમાં ટ્રેક કરવામાં આવ્યો અને લગભગ એક કિલોમીટર સુધી પીછો કરીને પોલીસે તેને પકડી પાડ્યો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે આ ગંભીર ગુનાની શ્રેણીમાં આવે છે. પ્રાથમિક તપાસમાં હત્યા પાછળ પારિવારિક વિવાદ અથવા આરોપીની માનસિક અસ્થિરતા કારણ હોવાનું મનાય છે. હાલ પોલીસ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે.
અપહરણ અને હત્યાનો કેસ
મુંબઈના લોકમાન્ય ટિળક ટર્મિનસ (LTT) પર ઊભેલી કુશીનગર એક્સપ્રેસના AC કોચ B2 ના શૌચાલયમાંથી બાળકનો મૃતદેહ મળ્યા બાદ ખળભળાટ મચી ગયો હતો. તપાસમાં જાણવા મળ્યું કે, આ એ જ બાળક છે જેના ગુમ થવા અને અપહરણનો કેસ 22 ઓગસ્ટના રોજ સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. પોલીસને મળેલી ફરિયાદમાં આ બાળકનું અપહરણ તેના જ માસી ના ભાઈએ કર્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ માહિતીના આધારે, અમરોલી પોલીસે આરોપીના મોબાઈલ નંબર પરથી તેનું લોકેશન શોધીને તેનો પીછો કરવાનું શરૂ કર્યું. આ મામલે, અમરોલી પોલીસનું એક યુનિટ શુક્રવારે વહેલી સવારે 4 વાગ્યે લોકમાન્ય ટિળક ટર્મિનસ (LTT) પર પહોંચ્યું અને રેલવે પોલીસ પાસેથી બાળક અને આરોપી વિશે માહિતી મેળવી.
આ સમાચાર પણ વાંચો : Lalbaugcha Raja: લાલબાગચા રાજા 2025 માટે સંપૂર્ણ માર્ગદર્શિકા: જાણો દર્શનનો સમય, VIP પાસ, ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટ કેવી રીતે બુક કરવી
મામલો અપહરણમાંથી હત્યામાં ફેરવાયો
પોલીસને જાણ કરવામાં આવી કે કુશીનગર એક્સપ્રેસમાંથી એક બાળકનો મૃતદેહ મળ્યો છે. ત્યારબાદ, મૃતદેહનો ફોટો તેના પરિવારને મોકલવામાં આવ્યો, જ્યાં પરિવારે પુષ્ટિ કરી કે મૃતદેહ તે જ બાળકનો છે, જેનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ મામલો અપહરણમાંથી હત્યામાં ફેરવાઈ ગયો. પોલીસે હવે તપાસ કરી રહી છે કે આરોપી બાળકને મુંબઈ કેવી રીતે લાવ્યો અને કઈ પરિસ્થિતિઓમાં તેની હત્યા કરવામાં આવી. હાલ, પોલીસે હત્યારા માસી ના ભાઈ વિકાસની ધરપકડ કરી છે.