News Continuous Bureau | Mumbai
Agriculture News: ખેડુતોએ ચણાના પાકમાં લીલી ઇયળના સંકલિત નિયંત્રણ માટે જૂનાગઢ અને આણંદ કૃષિ યુનિવર્સીટી દ્વારા વાવણી બાદ અનેકવિધ પગલાઓ સુચવ્યા છે. જેમાં ભૌતિક નિયંત્રણ માટે પાક ઉગ્યા બાદ ૫ દિવસે હેક્ટર દીઠ ૨૦ ફેરોમેન ટ્રેપ છોડથી ૧ ફૂટ ઉંચાઇએ ગોઠવવા તથા ફેરોમેન ટ્રેપની લ્યુર દર ૨૧ દિવસે બદલવી.
ખેતરમાં વીઘે દીઠ એક પ્રકાશ પિંજર ગોઠવવા અથવા જ્યાં લાઇટની વ્યવસ્થા થઇ શકે ત્યાં વિદ્યુત ગોળો ગોઠવી તેની નીચે પાણી ભરેલ ટ્રે ગોઠવી તેમાં કોઇપણ જંતુનાશક ૧ થી ૨ ટીંપા નાખવા. જેથી રાત્રી દરમિયાન પ્રકાશ તરફ આકર્ષાયેલી ફૂંદીઓ પાણીમાં પડતા નાશ પામશે.
પક્ષીઓને ઈયળ શોધવામાં સરળતા રહે, તે માટે ઉભાં પાકમાં અગ્રેજી ટી (T) આકારના પક્ષીઓને બેસવાના ટેકા હેકટરે ૪૦-પ૦ ની સંખ્યામાં છોડથી ૩ ફૂટ ઉંચાઇએ મુકવા. લીંબોળીનાં મીંજનું પ ટકા દ્વાવણ (પ૦૦ ગ્રામ મીંજનો પાવડર ૧૦ લિટર પાણીમાં) નાં ર થી ૩ છંટકાવ કરવાથી લીલી ઈયળનું અસરકારક નિયંત્રણ મળે છે. લીમડા આધારિત તૈયાર કીટનાશક ૧૦ મિ.લિ.(૫ ઇસી) અથવા નફ્ફટીયાના પાનનો ૫૦૦ ગ્રામનો અથવા અરડૂસીના પાનનો ૫૦૦ ગ્રામ અર્ક ૧૦ લિટર પાણીમાં ભેળવી ૨ થી ૩ છંટકાવ કરવા.
આ સમાચાર પણ વાંચો :Labour Welfare Initiative: શ્રમિકોના ઉત્કર્ષ માટે ગુજરાત સરકાર લાવી વિવિધ યોજનાઓ; માત્ર 5 રૂપિયામાં મળે છે 5 પૌષ્ટિક ભોજન, સાથે અનેક સુવિધા
લીલી ઈયળના જૈવિક નિયંત્રણ માટે બેસીલસ થુરીન્જીન્સીસ ૫ ડબલ્યુપી ૨૦ ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના ૧ ડબલ્યુપી ૪૦ ગ્રામ પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા એક હેક્ટર માટે ૨૫૦ રોગીષ્ટ ઈયળનું દ્રાવણ (એન.પી.વી.) બનાવી ૫૦૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
વધુમાં જરૂરીયાત જણાયેથી લીલી ઈયળના રાસાયણિક નિયંત્રણ માટે છોડમાં પ૦ ટકા ફુલ બેસવાની અવસ્થાએ અને ત્યાર બાદ ૧પ દિવસે કિવનાલફોસ ર૦ મિ.લિ. અથવા ફલુબેન્ડીયામાઈડ ર મિ.લિ. અથવા કલોરાન્ટ્રાનીલીપ્રોલ ૧.પ મિ.લિ. અથવા ઈમામેકટીન બેન્જોએટ ર ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ભેળવીને છાંટવી. પાણીની અછતવાળા વિસ્તારમાં ચણાના પાકમાં કિવનાલફોસ ૧.પ ટકા ભુકી દવા હેકટરે રપ કિ.ગ્રા. પ્રમાણે છાંટવાથી સારૂ પરિણામ મળે છે.
વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે તે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજીઓ રાખવી. વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવા સુરત જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવાયું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.