News Continuous Bureau | Mumbai
- વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓને રાષ્ટ્ર અને સમાજ નિર્માણમાં તેમના યોગદાનનું સન્માન આપવા માટે નવી દિલ્હીનાં કર્તવ્ય પથ ખાતે પ્રજાસત્તાક દિવસ પરેડ 2025 નિહાળવા માટે આમંત્રણ
- ગુજરાતમાંથી વિવિધ ક્ષેત્રનાં 150થી વધુ લોકોને મળ્યું દિલ્હીનું આમંત્રણ
Republic Day 2025: સમગ્ર ભારત દેશ આ વર્ષે 76મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી માટે થનગની રહ્યો છે. આ ઉજવણીને ભવ્ય બનાવવા માટે સરકારે પણ કમર કસી છે. આ ઉજવણીને સામાન્ય લોકો સુધી પંહોચાડવા માટે સરકાર દ્વારા આ વર્ષે દેશભરમાંથી વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓને રાષ્ટ્ર અને સમાજ નિર્માણમાં તેમના યોગદાનને માન આપવા માટે નવી દિલ્હીનાં કર્તવ્ય પથ ખાતે પ્રજાસત્તાક દિવસ પરેડ 2025 જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ મહેમાનો પોતપોતાના ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવનારા અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા છે અને સ્વર્ણિમ ભારતનાં શિલ્પી છે. આ મહેમાનો પોતાની સાથે પરિવારનાં એક સભ્યને પણ લઈ જઈ શકશે. જેમાં ગુજરાતમાંથી 150થી વધુ લોકોને આ આમંત્રણ મળ્યું છે. પરેડ નિહાળવાનું આમંત્રણ મેળવનારા વિવિધ લોકોનો ખાસ ઉલ્લેખ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોતાના ‘મન કી બાત’ કાર્યક્રમમાં કર્યો હતો.
ગુજરાતમાંથી પ્રજાસત્તાક દિનની પરેડ માટે નવી દિલ્હી ખાતે આમંત્રિત લોકોએ આ માટે પોતાની ખુશી અને ઉત્સાહ વ્યક્ત કર્યા હતા.
અન્વી વિજય ઝાંઝરૂકિયા, યોગ ચેમ્પિયન, સુરત
Republic Day 2025: સુરતની રહેવાસી અન્વી ઝાંઝરૂકિયાએ યોગના ક્ષેત્રમાં નામના મેળવી છે, જેણે 26 જાન્યુઆરી, 2025ના રોજ દિલ્હીના કર્તવ્યપથ પર પરેડ નિહાળવા માટે કેન્દ્ર સરકાર તરફથી મળેલા આમંત્રણ અંગે ખુશી વ્યક્ત કરી હતી. અન્વીએ કહ્યું-મને પરેડ નિહાળવા માટે દિલ્હી જવા આમંત્રણ મળ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમના ‘મન કી બાત’ કાર્યક્રમમાં પણ મારો ઉલ્લેખ કર્યો હતો. હું પ્રધાનમંત્રી શ્રીને મળવા આતુર છું. જ્યારે અન્વીના પિતા વિજયભાઈએ પણ આ અંગે ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું, ‘પ્રધાનમંત્રી શ્રીનો અમે આભાર માનીએ છીએ. અમને દેશના સૌથી મોટા રાષ્ટ્રીય તહેવારમાં ઉપસ્થિત રહેવા તક મળી છે એની ખુશી છે. અન્વી મલ્ટીપલ ડિસએબિલિટીઝ ધરાવે છે છતાં યોગ ક્ષેત્રે તે રાષ્ટ્રીય ચેમ્પિયન છે અને અનેક એવોર્ડ્સ પ્રાપ્ત કરી છે. પ્રધાનમંત્રી શ્રીએ અન્વીની આ કાબેલિયતને બિરદાવી છે જેનો ગર્વ છે.
ખેડૂત શ્રી પ્રવીણભાઈ ઘનશ્યામભાઈ મોરી, ગામ-ચરાડવા, હળવદ
મારું નામ પ્રવીણભાઈ ઘનશ્યામભાઈ મોરી છે. હું ગામ ચરાડવા, તાલુકો: હળવદનો વતની છું. અમો જીજીઆરસીની સબસિડી લઈને ટપક પદ્ધતિ અપનાવી અને ત્યારથી ફક્ત ટપક પદ્ધતિ પર જ ખેતી કરીએ છીએ. દિલ્હીના 26મી જાન્યુઆરી-2025ના કાર્યક્રમમાં જવા માટે અમારી પસંદગી GGRC દ્વારા કરવામાં આવી, અમો ખરેખર ખૂબ ખુશ છીએ. સૌથી મોટી ખુશી એ વાતની છે કે સરકાર ખેડૂતોને પણ તેના પરિવાર સાથે પરેડ જોવા માટે ત્યાં બોલાવે છે. જ્યારથી આ આમંત્રણનો હું ભાગ બન્યો છું ત્યારથી મે દિલ્હી જવાની તૈયારી ચાલુ કરી દીધી છે અને હું સતત 26મી જાન્યુઆરીની રાહ જોઉં છું. મને ગર્વ થાય છે કે કેન્દ્ર અને ગુજરાત સરકારે મારા જેવા ખેડૂતની નોંધ લીધી. મારા ધર્મપત્ની પણ મારી સાથે આવે છે તેઓ પણ ખૂબ ખુશ છે અને અમારા સગા વ્હાલાઓ ને જ્યારે અમે વાત કરી કે અમોને પ્રધાનમંત્રી સાહેબના 26મી જાન્યુઆરીના પ્રોગ્રામમાં પરેડ, એ પરેડ કે જે આપણે દર વર્ષે ટીવીમાં નિહાળીએ છીએ, ત્યાં રૂબરૂ માણવાનો અનન્ય લ્હાવો મળ્યો છે ત્યારે સૌ પરિવારજનો, કુટુંબીજનો અને સગા વ્હાલાઓ પણ અત્યંત આતુર છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai fire : મુંબઈના ગોરેગાંવ પૂર્વમાં ખડકપાડા ફર્નિચર માર્કેટમાં ભભૂકી આગ; આઠ ફાયર એન્જિન ઘટનાસ્થળે; આકાશમાં ઉડ્યા ધુમાડાના ગોટે ગોટા
મંથન પટેલ, ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ
AIF યોજનાની માહિતી મને એક્સીસ બેંકમાંથી મળી હતી. સરકારની સરળ પ્રકિયાના લીધે આ યોજના અંતર્ગત ખૂબ ઓછાં સમયમાં મેં યોજનાનાં લાભ થકી વ્યવસાયને વધાર્યો. આ યોજના અંતગર્ત મને દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વમાં આમંત્રણ મળ્યું છે એ માટે હું ખૂબ આભારી છું અને દિલ્હી જવાની ખૂબ ખુશી છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.