News Continuous Bureau | Mumbai
- તબીબી શાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શરીરની આંતરિક રચનાના અભ્યાસ તેમજ સંશોધન માટે માનવદેહ ખૂબ જ જરૂરી હોય છે: ડો.પ્રફુલભાઈ શિરોયા
માહિતી બ્યુરો:સુરત:શુક્રવાર: સુરતના ધોરાજીયા પરિવારે સ્વર્ગસ્થ વડીલનું દેહદાન, નેત્રદાન કરીને સમાજને પ્રેરણા આપી છે. મૂળ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઈંગોરાળા (ભાડ) ગામના વતની સ્વ.વલ્લભભાઈ મોહનભાઈ ધોરાજીયા (ઉ.વ.૮૮)નું સુરત ખાતે શ્યામધામ મંદિર પાસે, સરથાણાના નિવાસસ્થાને અવસાન થતા પરિવારે સ્વ.દાદાના નેત્રદાન, દેહદાન કરવાનો ઉમદા નિર્ણય કર્યો હતો. સ્વ.વડીલના પુત્ર શંભુભાઈ, પુત્રવધૂ રશ્મિતાબેન, પુત્રી ગીતાબેન બિપિનચંદ્ર પટેલ, પુત્રી ભાવનાબેન રવજીભાઈ માલાણીએ આ નિર્ણય લઈને ડો.બિપીનભાઈ પટેલ, ભાવસુખભાઈ વાઘેલા, બળવંતભાઈ ડોબરીયા, ડો.પ્રફુલભાઈ શિરોયા અને દિનેશભાઈ જોગાણી, ડો.બી.આઈ. શાહને જાણ કરતા ધોરાજીયા પરિવાર તરફથી દાદાના અમૂલ્ય નેત્ર અને દેહનું દાન સ્વીકારી શ્રી ભારતીમૈયા કોલેજ ઓફ ઓપ્ટોમેટ્રી અને ફિઝિયોથેરાપી, ડુમસ રોડ ખાતે અર્પણ કરવામાં આવ્યું હતું.
ડો.પ્રફુલ શિરોયાએ જણાવ્યું કે, તબીબી શાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શરીરની આંતરિક રચનાના અભ્યાસ તેમજ સંશોધન માટે માનવદેહ ખૂબ જ જરૂરી હોય છે. આ વિદ્યાર્થીઓના અભ્યાસ, આવનારી પેઢીના સુખી ભવિષ્ય માટે, માનવજાતિના કલ્યાણ માટે ચક્ષુદાન તથા દેહદાનનો ધોરાજીયા પરિવારનો નિર્ણય સરાહનીય છે એમ જણાવી નેત્રદાતા, દેહદાતા, અંગદાતા બનવા સૌને અપીલ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : SEBI Decision: સેબીનો હિન્ડનબર્ગને મોટો ફટકો, અદાણી ગ્રુપને મોટી રાહત, જાણો વિગતે
ડો.શિરોયાએ ઉમેર્યું કે, કાળી કીકીના કારણે અંધત્વ ભોગવતા લોકોને ફરી દ્રષ્ટિવંત બનાવવા માટે સૌ સેતુ બની માનવતાના કાર્યમાં સહયોગ આપીશું તો ભારત કોર્નિયલ અંધત્વ મુક્ત બનશે. આ પરિવારના પ્રેરક પહેલને ભારતીમૈયા ટ્રસ્ટ અને સમાજ સેવક મહેન્દ્રભાઈ કતારગામવાલા, ડો.મહેન્દ્રસિંહ ચૌહાણ, લાયન્સ ક્લબ ઓફ સુરત ઈસ્ટના જગદીશ બોદરા, કિશોરભાઈ (રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ), રેડ ક્રોસ સોસાયટી ચોર્યાસી બ્રાન્ચના રાજુભાઈ રાદડિયા, મહેશભાઈ શિરોયા, લોકદ્રષ્ટિ ચક્ષુબેંકના ટ્રસ્ટ્રીઓએ પરિવારજનોનો આભાર વ્યક્ત કરી દેહદાતા નેત્રદાતા સ્વ.વલ્લભદાદાના આત્માની શાંતિ માટે પ્રાર્થના સહ શ્રદ્ધાંજલિ આપી હતી.