ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૫ જૂન ૨૦૨૧
મંગળવાર
દેશમાં રસીકરણને કારણે પ્રથમ મોતની પુષ્ટિ થઈ છે. સરકારી પૅનલે કોરોના પ્રતિબંધાત્મક રસીકરણ બાદ સામે આવેલા 31 ગંભીર કેસોની તપાસ કરી હતી. આમાંથીમાત્ર 1 મૃત્યુ રસીકરણને કારણ થયું હોવાનું માનવામાં આવ્યું હતું. અહેવાલ મુજબ, એક ૬૮ વર્ષીય વ્યક્તિનું 8 માર્ચ, 2021ના રોજ રસીકરણ પછી એનાફિલેક્સિસથી મૃત્યુ થયું હતું. રસીકરણ પછીની કોઈપણ સમસ્યાને AEFI કહેવામાં આવે છે એટલે કે ઍડ્વર્સ ઇફેક્ટ ફોલોવિંગ ઇમ્યુનાઇઝેશન.
સરકારે AEFI માટે એક સમિતિની રચના કરી હતી. એક મીડિયા હાઉસના અહેવાલ મુજબ સમિતિના અધ્યક્ષ ડૉ.એન.કે.અરોરાએ કહ્યું કે “હા, રસીકરણ પછી પહેલું મૃત્યુ થયું છે. દર્દીમાં એનાફિલેક્સિસ મળી આવ્યો હતો.” રિપૉર્ટમાં કહેવામાં આવ્યું છે કે “3 કેસ રસીના ઉત્પાદન સાથે સંબંધિત હોવાનું જાણવા મળ્યું છે.” સરકારી પૅનલના અહેવાલમાં જણાવાયું છે કે “રસી ઉત્પાદન સંબંધિત રીઍક્શન થઈ શકે છે, જે રસીકરણને કારણે છે. આ રીઍક્શનમાં એલર્જી અને એનાફિલેક્સિસ સામેલ છે.
સૌપ્રથમ ભારતમાં લૉન્ચ થશે આ નવી વેક્સિન; જાણો કેટલી અસરદાર છે અહીં
ઉલ્લેખનીય છે કે એનાફિલેક્સિસના અન્ય બે કેસમાં 19 અને 16 જાન્યુઆરીએ રસી લેવામાં આવી હતી અને બંનેને હૉસ્પિટલમાં દાખલ કરાયા પછી તેઓ સાજા થયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલાAEFI ડેટા જણાવે છે કે 16 જાન્યુઆરીથી 7 જૂન દરમિયાન આવા 26,200 કેસ નોંધાયા હતા. AEFIના કેસો કુલ રસીકરણમાં માત્ર 0.01 ટકા હતા.એ જ સમયે મૃત્યુદર પણ નહિવત્ છે.