ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૧ મે ૨૦૨૧
શુક્રવાર
ભારતમાં કોરોના મહામારી નિયંત્રણમાં આવવાનું નામ નથી લેતી. બ્લૅક ફંગસ એટલે કે મ્યુકરમાયકોસિસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. એથી સરકાર અને ડૉક્ટરોની ચિંતા વધી ગઈ છે. બ્લૅક ફંગસથી પણ વધુ જોખમી કહેવાતી વ્હાઇટ ફંગસના નવા કેસ દેશમાં નોંધાઈ રહ્યા છે.
વ્હાઇટ ફંગસ તબીબી ભાષામાં અત્યંત જોખમી ગણાઈ રહી છે. બિહારમાં વ્હાઇટ ફંગસના કેસ નોંધાયા બાદ સરકારનું ટૅન્શન વધી ગયું છે. વ્હાઇટ ફંગસ ફેંફસાંમાં ચેપ ફેલાવવા માટે મુખ્ય જવાબદાર છે. એ સાથે જ આ ફંગસ માણસની ચામડી, નખ, મોઢાની અંદરનો ભાગ, આંતરડાં, કિડની અને મગજને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડે છે.
વ્હાઇટ ફંગસનો જેને ચેપ લાગે છે, તેવા દર્દીઓના કોરોનાની ટેસ્ટના રિપોર્ટ નેગેટિવ આવતા હોય છે, પરંતુ જો સીટી સ્કૅનમાં કોરોનાનાં લક્ષણ દેખાય અને દર્દીનો કલ્ચર રિપૉર્ટ કરવામાં આવે તો આ ફંગસ થયો હોવાનું જણાઈ આવે છે.
તબીબોના કહેવા મુજબ ઑક્સિજન સપોર્ટ પર રહેલા દર્દીઓને વ્હાઇટ ફંગસ થવાનું જોખમ વધારે હોય છે. જે તેમનાં ફેંફસાંને નુકસાન કરી શકે છે. ફંગસને કારણે રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે તેમ જ ડાયાબિટીઝ હોય અને લાંબા સમયથી જેઓ સ્ટેરોઇડ લેતા હોય તેવા દર્દીઓને પણ ફંગસનો ચેપ લાગવાની શક્યતા ભારોભાર છે. બાળકોને તથા કૅન્સરના દર્દીઓને પણ વ્હાઇટ ફંગસ થઈ શકે છે. ઑક્સિજન અને વેન્ટિલેટરના સપોર્ટ પર રહેલા દર્દીઓના ઉપકરણ ખાસ કરીને ટ્યુબ સેનેટાઇઝ કરેલી હોવી જોઈએ.
