ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 મે 2021
શનિવાર
કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળના ચીફ સેક્રેટરી અલાપન બંધોપાધ્યાયને ફરી દિલ્હી બોલાવી લીધા છે. 31 મેના તેમને દિલ્હી રિપૉર્ટ કરવાનું રહેશે. તેમની રાતોરાત ટ્રાન્સફર કરવામાં આવી છે. એ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બેઠકમાં મોડા પહોંચવાના કારણને જવાબદાર ગણવામાં આવે છે. તેમની ટ્રાન્સફર કરીને કેન્દ્ર સરકારે તેમની સાથે જ નહીં, પણ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જી સામે પણ બદલો લીધો છે.
દેશમાં 44 દિવસ બાદ નોંધાયા સૌથી ઓછા કેસ, 2.80 લાખથી વધુ લોકો થયા રિકવર ; જાણો આજના નવા આંકડા
વાત બની એમ કે, યાસ વાવાઝોડાએ બંગાળ અને ઓરિસ્સાને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું હતું. એથી આ નુકસાનની સમીક્ષા કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળમાં બેઠક રાખી હતી. જેમાં ચીફ સેક્રેટરી અલાપન બંધોપાધ્યાય બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જી સાથે 30 મિનિટ મોડા પહોંચ્યા હતા. વાવાઝોડામાં થયેલા નુકસાનને લઈને દસ્તાવેજો આપીને બંને જણ તરત નીકળી ગયાં હતાં. આવા વર્તનથી મમતા બેનર્જીએ વડા પ્રધાનનું અપમાન કર્યું છે અને બંધારણ મૂલ્યોની પણ હત્યા કરવામાં આવી છે એવો આરોપ ભાજપના પ્રમુખ જે. પી. નડ્ડાએ કર્યો હતો. તો આ બનાવથી અપમાનિત થયેલા વડા પ્રધાને તરત જ અલાપનની બદલીનો આદેશ આપી દીધો હતો. અહીં ઉલ્લેખનીય છે કે અલાપન બંધોપાધ્યાયની મમતા બેનર્જીના વિશ્વાસુ અધિકારી તરીકે ગણના થાય છે.
