ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
26 ઓક્ટોબર 2020
સંસદના નવા ભવનના નિર્માણ સાથે સંસદના સંકુલની વ્યવસ્થામાં પણ પરિવર્તનની શરૂઆત થઈ ગઈ છે. લોકસભા સચિવાલયે રેલવે પાસેથી કેન્ટીનની જવાબદારી પરત લઈને એને 15 નવેમ્બરથી આઇટીડીસી એટલે કે ઇન્ડિયન ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનને સોંપવાનો નિર્ણય કર્યો છે. જેથી હવે આગામી 15 નવેમ્બરથી સંસદની કેન્ટીન આઇટીડીસી ચલાવશે.આઈટીડીસીએ સાંસદોના ખોરાકમાં ગુણવત્તા અને વિવિધતા લાવવા માટે સેલિબ્રિટી શેફની નિમણૂક કરવાનો નિર્ણય કર્યો છે. જોકે અધિકારીઓએ અત્યાર સુધી શેફની ઓળખનો કોઈ ખુલાસો નથી કર્યો. સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, જે શેફની નિમણૂક કરવામાં આવી છે, તે પાંચ વર્ષ સુધી દેશના રાષ્ટ્રપતિની સાથે કામ કરી ચૂક્યો છે અને આઉપરાંત તે શેફએ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કેન્ટીનના ભોજન કાર્યોની દેખરેખ કરી છે. લોકસભા સચિવાલયે આ રાજ્ય દ્વારા સંચાલિત હોટેલ ચેઇનની યોજનાઓને મંજૂરી આપી દીધી છે.
મળતી માહિતી મુજબ, કોવિડ-19 રોગચાળાને પગલે આઇટીડીસી પ્રારંભમાં ચા, કોફી તેમ જ હર્બલ ઉકાળા અને પેક્ડ સ્નેક્સ જેવા નાસ્તાના પેકેટ, સેવઈ અને બિસ્કિટ પીરસવા સુધી સીમિત રહેશે. જોકે આવનારા બજેટ સત્ર સુધી સંસદમાં ભોજનની વેરાઇટીમાં વધારો થવાની શક્યતા છે. આ ફૂડ સર્વિસ માત્ર મોટા સ્તરે મીટિંગમાં સામેલ થનારા પ્રતિનિધિમંડળ સુધી સીમિત રહેશે, જેમ કે વડા પ્રધાનની પ્રધાનમંડળ સાથેની મીટિંગ, સંયુક્ત સંસદીય સમિતિની બેઠકો, વિદેશી પ્રતિનિધિમંડળ વગેરે જેવા પ્રસંગોએ આ સર્વિસ પૂરી પાડવામાં આવશે.
તમને જણાવી દઈએ કે ગત સપ્તાહે સંસદે ઉત્તર રેલવે સાથેના 50 વર્ષથી વધુ જૂનાં સંબંધોને ખતમ કર્યા હતા. 1968માં સંસદ ભવન પ્રાંગણમાં ખાનપાનની દેખરેખ ઉત્તર રેલવે કરી રહી હતી. સંસદમાં ભોજન સંબંધી કાર્યની દેખરેખ અત્યાર સુધી ઉત્તરી રેલવેના કર્મચારીઓ સંભાળતા હતા, પરંતુ હવેથી આ કામ આઇટીડીસીની દેખરેખ હેઠળ રહેશે.